ભુજ, તા. 7 : જિલ્લામાં વરસાદ ખેંચાતાં ખેડૂતોનો
પાક બચાવવા માટે ભારતીય કિસાન સંઘ કચ્છ જિલ્લા તથા ગુજરાત પ્રદેશ દ્વારા ઊર્જામંત્રીને
લેખિત રજૂઆત કરી ખેતીવાડીમાં 10 કલાક વીજળી
આપવા માંગ કરાઇ હતી. ભારતીય કિસાન સંઘની રજૂઆતને ધ્યાને લઇ ઊર્જામંત્રી દ્વારા ખેતીવાડીમાં
આઠ કલાક વીજળી આપવામાં આવે છે તે વધારી 10 કલાક વીજળી આપવાની મંજૂરી આપી હતી જેની અમલવારી નવ આગેસ્ટથી
થશે. કચ્છ જિલ્લાના નર્મદાનાં વધારાનાં એક મિલિયન એકર ફિટ પાણી માટે વાઢિયા કેનાલ તથા
દુધઇ સબ બ્રાન્ચ કેનાલમાં કામગીરી હેઠળ ફેસ વનમાં નોર્ધન પાઇપલાઇન તથા સધર્ન પાઇપલાઇનમાં
ચાલતાં ધીમી ગતિનાં કામની ગતિ વધારવા તથા ખેતીવાડીમાં સ્કાય યોજના અંતર્ગત સંલગ્ન ખાનગી
કંપનીની નબળી કામગીરીને કારણે ઓછાં ઉત્પાદનથી ખેડૂતો પર પડતા બોજા માટે સંલગ્ન ખાનગી
કંપની, પીજીવીસીએલના અધિકારીઓ, ગેટકો અધિકારી સાથે બેઠક યોજી કામગીરી કરવા ઊર્જામંત્રીએ સૂચન આપ્યું હતું.
નર્મદાના વધારાનાં પાણી માટે ફેસ-ટુમાં વહીવટી મંજૂરી તથા ટેન્ડરની પ્રક્રિયા શરૂ થઇ
ગઇ હોવાનું જિલ્લા પ્રચાર પ્રમુખ રાજુભાઇ છાંગાની યાદીમાં જણાવાયું હતું. ગાંધીનગરમાં ઊર્જામંત્રી કનુભાઇ દેસાઇ, કૃષિમંત્રી રાઘવજીભાઇ પટેલ, વિવિધ વિભાગના સચિવો, જિલ્લા પ્રમુખ કરમણભાઇ ગાગલ,
ભારતીય કિસાન સંઘ ગુજરાત પ્રાંતના પ્રમુખ જગમાલભાઇ આર્ય, મહામંત્રી આર. કે. પટેલ, રાષ્ટ્રીય મંત્રી બી. કે. પટેલ,
જિલ્લા ઉપપ્રમુખ પરસોત્તમભાઇ પોકાર, જિલ્લા ઉપપ્રમુખ
ભચાભાઇ માતા તથા રામજીભાઇ છાંગા, જિલ્લા જળ આયામના પ્રમુખ ભીમજીભાઇ
કેરાસિયા, જિલ્લા સહ કોષાધ્યક્ષ પ્રેમજીભાઇ લીંબાણી ઉપસ્થિત રહ્યા
હતા. દરમ્યાન, ખેડૂતોને 18 કલાક વીજળી મળે તેવી વ્યવસ્થા
ગોઠવવા કચ્છ કિસાન કોંગ્રેસના ચેરમેન યોગેશ પોકારે રાજ્યના ઊર્જામંત્રીને લેખિત રજૂઆત
કરી હતી.