• ગુરુવાર, 07 ઑગસ્ટ, 2025

ભાગવત-યોગીને સંડોવવાના પ્રયાસ

માલેગાંવ-આતંકવાદ કેસમાં મહારાષ્ટ્ર પોલીસ અને `એટીએસ'ના ઉપરીઓની કામગીરી બાબત સવાલ ઊઠી રહ્યા છે. વિશેષ અદાલતના ચુકાદા પછી તત્કાલીન એટીએસ-પોલીસ મેહબૂબ મુજાવરે કહ્યું છે કે, એમના ઉપરી અધિકારીએ આરએસએસના વડા - મોહન ભાગવતની ધરપકડ કરવાનો હુકમ કર્યો હતો, પણ ભાગવતને પકડવા માટે કોઈ પુરાવા નહોતા, તેથી મેં હુકમનું પાલન કર્યું નહીં, તેથી મારી સામે જ ખોટો કેસ બનાવીને કામ ચલાવવામાં આવ્યું હતું. મેહબૂબ મુજાવર એમ પણ કહે છે કે, કેસની સુનાવણી દરમિયાન - વર્ષ 2016માં એમણે સોલાપુર કોર્ટમાં પણ ઉપરીના દબાણની માહિતી આપી હતી. હવે વિશેષ અદાલતના જજ એ.કે. લાહોટી કહે છે કે, સુધાકર ધાર દ્વિવેદીના વકીલે પણ મુજાવરને ભાગવતની ધરપકડ કરવાની સૂચના મળી હોવાની રજૂઆત કરી હતી પણ તેમાં વજૂદ લાગ્યું નહીં. હવે ચુકાદો આવી ગયો છે, ત્યારે મોહન ભાગવત ઉત્તરપ્રદેશના વર્તમાન મુખ્ય પ્રધાન યોગી તથા આરએસએસના અન્ય કાર્યકરોની ધરપકડ કરવાના આદેશ અપાયા હોવાનો વિવાદ શરૂ થયો છે. વિશેષ અદાલતના ચુકાદામાં પણ જણાવાયું છે કે, આ કેસની તપાસ દરમિયાન કેટલાક સાક્ષીઓ ઉપર દબાણ કરીને યાતના આપવામાં આવી હતી, તેથી એટીએસ દ્વારા રજૂ થયેલા પુરાવા અને માહિતી વિશ્વાસપાત્ર નથી. એક સાક્ષીને તો ઘણા દિવસો સુધી પકડીને ગોંધી રાખવામાં આવ્યો હતો - યોગી સહિત આરએસએસના પાંચ કાર્યકરની સંડોવણી હોવાનું કહેવા માટે દબાણ હતું, જ્યારે જજ પોતાના ચુકાદામાં આ વાત કહે છે, તો એટીએસના પૂર્વ અફસર મેહબૂબ મુજાવરની વાત સ્વીકારવી જોઈએ કે, ભાગવતની સંડોવણી કરવા માટે મુજાવર ઉપર દબાણ થયું હતું અને આવા હુકમનો અમલ નહીં કરવા બદલ એમને સજા પણ થઈ હતી. સાધ્વી પ્રજ્ઞા ઠાકુરને અટકાયતમાં લીધા પછી એમને ભારે શારીરિક અને માનસિક યાતના આપવામાં આવી, એમની સાથે અભદ્ર વ્યવહાર થયો એવી ફરિયાદ એમણે જાહેરમાં કરી હતી. ટીવી ચેનલના ઈન્ટરવ્યૂમાં પણ એમણે વિગતવાર માહિતી આપી હતી, પણ વિશેષ અદાલતના જજે આપેલા ચુકાદામાં જણાવ્યું છે કે, એમને પીડાના કોઈ પુરાવા મળ્યા નથી. ચુકાદામાં જણાવાયું છે કે, વર્ષ 2008માં એમની ધરપકડ થયા પછી મેજિસ્ટ્રેટ સમક્ષ પણ એમણે આવી કોઈ ફરિયાદ કરી ન હતી. આવા વિરોધાભાસથી કોકડું વધુ ગૂંચવાયું છે. અપરાધ મુક્ત બન્યા પછી પણ એમણે `ટોર્ચર'ની વાત કરી છે, તો સત્ય શું છે તે પ્રકાશમાં આવવું જોઈએ. મહારાષ્ટ્રમાં એટીએસે રાજકીય અપરાધીઓ સાથે કેવો વ્યવહાર ર્ક્યો તે જાણવાનો નાગરિકોને અધિકાર છે. આ ગૂંચવાડામાં એક બાબત સ્પષ્ટ થાય છે અને સ્વીકારવી જોઈએ કે, મોહન ભાગવત અને યોગીને સંડોવવા માટે એટીએસના ઉપરીઓ દ્વારા પ્રયાસ થયા હતા અને આ ઉપરથી એ પણ સ્પષ્ટ થાય છે કે, હિન્દુ અને ભગવા આતંકના આક્ષેપ સાબિત કરવા માટે આદેશ અપાયા હતા. હવે રાજ્ય સરકારે બે-જવાબદાર એટીએસના અધિકારી સામે કાનૂની કાર્યવાહી શરૂ કરવી જોઈએ.

Panchang

dd