• શુક્રવાર, 08 ઑગસ્ટ, 2025

માંડવી-દહિંસરામાં ઝરમર વરસાદથી રસ્તા ભીંજાયા

ભુજ, તા. 7 : કચ્છમાં વરસાદનો વિરામ કાળ લંબાતા ખેડૂતોમાં ઉચાટ ફેલાયો છે. છૂટાછવાયા વરસાદની આગાહી વચ્ચે જિલ્લામાં ઉકળાટનો માહોલ યથાવત રહ્યો છે. તેવામાં બંદરિય શહેર માંડવી તેમજ દહિંસરામાં શ્રાવણી સરવડિયાં જેવા ઝરમર વરસાદથી  રસ્તા ભીંજાયા હતા. 35.4 ડિગ્રી મહત્તમ તાપમાને અંજાર-ગાંધીધામ રાજ્યના મોખરાન ગામ મથક બન્યા હતા. માંડવીના અહેવાલ અનુસાર છેલ્લા બે દિવસોથી તાપમાનમાં પારો ઉંચકાતા બફારા વચ્ચે આજે સવારે વધુ  9 મિ.મી. હળવું  ઝાપટું રસ્તાને વહેતા કરી ગયું હતું. વિતેલા બે દિવસો દરમિયાન ઝીણી ફુવાર, ઝરમરિયા રુપે ધરતીનો ધણી ધરતી પલાળી ગયો હોવાથી મોસમનો એકંદર વરસાદી આંકડો 300 મિ.મી. એટલે કે 12 ઈંચ ઉપર અંકિત થયો હતો. તેવું કન્ટ્રોલરૂમમાંથી ભૂપેન્દ્ર સલાટે માહિતી આપતાં કહ્યું હતું કે, બંધાયેલા માહોલ છતાં છૂટથી વરસાદ  વરસતો નહીં હોવાથી ઝાડા ઉલટી ના કેસો તથા બાળકોમાં ગળાના ઇન્ફેક્શનના કેશો વધુ જોવા મળતા હોવાનું સામે આવ્યું છે. આ તરફ દહીંસરામાં સવારે આઠ વાગ્યે 15 મિનિટના ઝાપટાંથી પાણી વહી નીકળ્યા હતા. રામપર-દહિંસરા ત્રિભેટ ઉપર પાણી ભરાતાં વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. હવામાન વિભાગના સાત દિવસના વર્તારામાં છૂટાછવાયા વરસાદની સંભાવના દેખાડવામાં આવી છે. 

Panchang

dd