નવી દિલ્હી, તા. 6 : દ્વિપક્ષીય
સંબંધોની તાણ તીવ્ર કરનાર ગલવાન ખીણ સંઘર્ષ બાદ પહેલીવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચીન
પ્રવાસે જઇ રહ્યા છે. શાંઘાઇ સહયોગ સંગઠન (એસસીઓ)નાં 31 ઓગસ્ટથી બે દિવસ માટે યોજાનારા
શિખર સંમેલનમાં ભાગ લેવા મોદી ચીન જશે. મોદી છેલ્લીવાર 2019માં ચીન પ્રવાસે ગયા હતા. શિખર
સંમેલન દરમ્યાન મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે એક દ્વિપક્ષીય મુલાકાતની
શક્યતા છે. આ મુલાકાત બંને દેશ વચ્ચે સંબંધો સામાન્ય કરવાની દિશામાં એક મહત્ત્વનું
પગલું હશે. મોદી અને જિનપિંગ છેલ્લીવાર ઓક્ટોબર-2024માં રશિયામાં બ્રિક્સનાં શિકર સંમેલન દરમ્યાન મળ્યા હતા. તાજા
સમયમાં બંને દેશે સીમા પર તાણ ઘટાડવા અનેક પગલાં લીધાં છે. વિદેશમંત્રી એસ. જયશંકર
બાદ સંરક્ષણમંત્રી રાજનાથસિંહ બીજિંગમાં પોતાના ચીની સમકક્ષોની મુલાકાત લીધી હતી. જયશંકરે
જણાવ્યું હતું કે, છેલ્લા નવ
મહિનામાં સંબંધો સામાન્ય કરવાની દિશામાં `સારી પ્રગતિ' થઇ શકી છે. વડાપ્રધાન મોદીની ચીન યાત્રા એવા સમયે થઇ રહી છે, જ્યારે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રૂસ પાસેથી તેલ ખરીદી માટે બ્રિક્સ
દેશો પર નિશાન સાધ્યું છે. ચીન પ્રવાસથી પહેલાં વડાપ્રધાન મોદી 30મી ઓગસ્ટના જાપાન પ્રવાસે જશે. જ્યાં જાપાની
વડાપ્રધાન ફુમિયો કિશિદા સાથે મુલાકાત કરશે અને વાર્ષિક ભારત-જાપાન શિખર સંમેલનમાં
ભાગ લેશે.