અમદાવાદ, તા. 7 (અમારા પ્રતિનિધિ તરફથી) : મુખ્યમંત્રી
ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને જિલ્લા વિકાસ અધિકારીઓ અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીઓના
નિયામકોની સંયુક્ત પરિષદ યોજાઈ હતી. જેમાં, મુખ્યમંત્રીના હસ્તે, ગામતળ નીમ કરવાની પ્રક્રિયાને ઓનલાઈન
કરાવતા ડિજિટલ પ્લેટફોર્મનું લોન્ચિગ કર્યું હતું. ગ્રામ વિકાસ મંત્રી રાઘવજી પટેલ,
મુખ્ય સચિવ પંકજ જોષીની ઉપસ્થિતિ હતી. આ પ્લેટફોર્મ કાર્યરત કરવાથી ગ્રામીણ
વિસ્તારોમાં પ્લોટ ફાળવણી પ્રક્રિયા વધુ સરળ અને પારદર્શી થવાથી આવાસ નિર્માણ યોજનાઓના
લક્ષ્યાંકો સિદ્ધ થઈ શકશે. પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ગ્રામીણ સ્તરે વધુ આવાસો બનાવી
શકાશે. તેમણે, પંચાયત વિભાગની વિવિધ યોજનાઓની સરળ સમજ આપતી પુસ્તિકા,
સ્ટેટ ઇન્સ્ટિટયૂટ ઓફ રૂરલ ડેવલોપમેન્ટના પ્રથમ ન્યુઝ લેટરનું વિમોચન
પણ કર્યું હતું. આ તબક્કે, મુખ્યમંત્રીએ સ્પષ્ટ શબ્દોમાં એવી
ખાસ તાકીદ કરી હતી કે, ખોટું આચરણ કરનારાઓને સાંખી લેવાશે નહીં.
ટેકનોલોજીના આજના સમયમાં સરકારી સેવાઓ જવાબદેહ બની છે. લોકોની જાગરૂક્તા પણ વધી છે
ત્યારે યોજનાઓના જિલ્લાઓમાં અમલીકરણ ટીમના વડા તરીકે જિલ્લા વિકાસ અધિકારીઓએ ગુણવત્તાસભર
કામ, સમયબદ્ધ આયોજન અને લોકોની અપેક્ષાની કસોટીએ ખરા ઉતરવું પડશે. રાજ્યમાં ગ્રામીણ વિકાસ સહિતના વિકાસ કામો માટે
નાણાની કોઈ સમસ્યા નથી અને નાણાંકીય રીતે રાજ્ય
સમૃદ્ધ છે ત્યારે જિલ્લા વિકાસ અધિકારીઓએ છેક છેવાડાના સ્તર સુધી વિકાસ લાભ 100 ટકા પહોંચે તે સુનિશ્ચિત કરવાનું
છે. ગ્રામ વિકાસ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, 2025-26માં
આવાસ બાંધકામના હેતુથી રાજ્ય સરકાર દ્વારા રૂ. 50,000ની વધારાની સહાય આપવામાં આવે છે. મુખ્ય સચિવ પંકજ જોશીએ જણાવ્યું હતું કે, જિલ્લાવાર યોજનાઓના અમલની સમીક્ષા, નાગરીકોને લાભ પહોંચે તે માટેની કામગીરી અને સુશાસનના માધ્યમથી સારા પરિણામો
મેળવવાનો પ્રયત્ન આ બેઠકનો મુખ્ય હેતુ છે.