નવી દિલ્હી, તા. 7 : વડાપ્રધાન
નરેન્દ્ર મોદીએ ગુરુવારે અમેરિકી ટેરિફના ઉલ્લેખ વિના ડોનાલ્ડ ટ્રમ્પને પરોક્ષ જવાબમાં
જણાવ્યું હતું કે, અમારા માટે
અમારા કિસાનો-પશુપાલકોનું હિત સર્વોચ્ચ પ્રાથમિકતા છે. ભારત દેશ પોતાના ખેડૂતો-પશુપાલકો
અને માલધારીઓનાં હિતો સાથે કદી પણ બાંધછોડ નહીં કરે, તેવું તેમણે
જણાવ્યું હતું. દિલ્હીમાં એમ.એસ. સ્વામીનાથન શતાબ્દી આંતરરાષ્ટ્રીય સંમેલનમાં વડાપ્રધાને
કહ્યું હતું કે, વ્યક્તિગત રૂપે મને ઘણી મોટી કિંમત ચૂકવવી પડશે
તે હું જાણું છું, પરંતુ તેના માટે તૈયાર છું. અમેરિકી રાષ્ટ્રપતિ
ડોનાલ્ડ ટ્રમ્પના ભારત પર 50 ટકા ટેરિફના એક દિવસ બાદ મોદીએ આવી ટિપ્પણી કરી છે. હકીકતમાં
અમેરિકા ભારતના કૃષિ અને ડેરી ક્ષેત્રોમાં પોતાની શરતો સાથે પ્રવેશ કરવા ઇચ્છે છે.
અનેક દોરની બેઠકો પછી ભારત આ મુદ્દે તૈયાર નથી, જેને લીધે વ્યાપાર સમજૂતી હજુ સુધી નક્કી થઈ નથી અને આ મામલે ડોનાલ્ડ ટ્રમ્પ
ગિન્નાયા છે. ટ્રમ્પનો 25 ટકા ટેરિફ લાગુ થઈ ગયો છે. પ્રો. સ્વામીનાથન સાથે મારો નાતો અનેક વર્ષો
જૂનો છે. ઘણા લોકો ગુજરાતની જૂના સમયની વિકટ સ્થિતિથી વાકેફ છે, જ્યારે હું મુખ્યમંત્રી હતો ત્યારે અમે મૃદા
સ્વાસ્થ્યકાર્ડ પર કામ શરૂ કર્યું હતું, તેવું મોદી બોલ્યા હતા.
સ્વામીનાથને ખૂબ રસ બતાવીને કરેલાં અદ્ભુત સૂચનોની અસરરૂપે જબરદસ્ત સફળતા મળી,
તેવું વડાપ્રધાને જણાવ્યું હતું. અમેરિકાએ ભારત પર વધારાનો ટેરિફ ઝીંક્યો
છે, એ બેહદ કમનસીબ બાબત છે. ભારત પોતાના રાષ્ટ્રીયહિતોની સુરક્ષા
માટે દરેક જરૂરી પગલાં ભરશે, તેવું ભારતીય વિદેશ મંત્રાલયે અગાઉ
જણાવ્યું હતું. - ટેરિફ મુદ્દે ચીન ભારતની પડખે : નવી દિલ્હી, તા. 7 : `ભારતવિરોધી' વલણ માટે કુખ્યાત ચીને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ
ટ્રમ્પે ભારત પર ફોડેલા `ટેરિફ બોમ્બ' પર તીખા પ્રહાર કરીને ભારતને સમર્થન જાહેર કર્યું
હતું. ચીની વિદેશ મંત્રાલયના પ્રવક્તા ગુઓ જિયાકુને ગુરુવારે પત્રકારોને સંબોધતાં ટ્રમ્પનાં
પગલાંને વેપારી ઉપાયોનો દુરુપયોગ લેખાવી અમેરિકાની આકરી ટીકા કરી હતી. ચીન હંમેશાંથી
ટેરિફના દુરુપયોગનો વિરોધ કરતું આવ્યું છે.
આ મુદ્દે અમારું વલણ સ્પષ્ટ અને સ્થાયી છે, તેવું તેમણે ઉમેર્યું
હતું. નવી દિલ્હીમાં ચીનના રાજદૂત શુ ફેઈહોંગે પણ અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પને `બદમાશ'
કહી દીધા હતા.