નલિયા, તા. 7 : અબડાસાના સાગરકાંઠે બે કન્ટેનર
ટેન્ક અને એક ચરસનું પેકેટ દરિયાની ભરતીનાં પાણીમાં તણાઈ આવ્યા હોવાના વાવડ મળ્યા છે. ગુરુવારે બપોર બાદ પોલીસ પેટ્રાલિંગ દરમિયાન સૈયદ
સુલેમાન પીર પાસેના કાંઠા વિસ્તારમાં કન્ટેનર ટેન્ક તરતી જોવા મળી હતી અને તેના થોડેક
દૂર આવેલ શિયાળબારી દરિયાઈ વિસ્તાર પાસે પણ બીજી એવી જ કન્ટેનર ટેન્ક અડધાં પાણીમાં
ડૂબેલી હાલતમાં દરિયામાં દેખાઈ હતી. કન્ટેનર કોઈ જહાજમાંથી પડી ગયું હોય અથવા તો જહાજ
તૂટી પડ્યું હોય તેમાંથી અલગ થઈને કાંઠે તરી આવ્યા હોવાનું અનુમાન છે. કન્ટેનરમાં ગેસ
કે કેમિકલ ભરેલ હોવાનું અથવા તો અન્ય પદાર્થ પણ હોવાનું તપાસ થવા બાદ માલૂમ પડે તેમ
છે. જખૌ મરીનના પીએસઆઇ વી. એમ. ડામોરે જણાવ્યું હતું કે, બે કન્ટેનર દરિયામાં દેખાઈ રહ્યા છે અને દરિયામાં
હાલ ભરતી હોવાનાં કારણે પાણીમાં કરંટ અને દરિયાઈ મોજાં ઊંચાં હોવાનાં કારણે બંને કન્ટેનર
દરિયામાં દેખાઈ રહ્યા છે. કન્ટેનર બંને વજનદાર હોવાનાં કારણે કાંઠે લાવવાના પ્રયાસો
ચાલુ છે, હાલ પોલીસ તેના પર નજર રાખી રહી છે તેમ જણાવ્યું હતું.
બીજી તરફ બીએસએફની પેટ્રાલિંગ પાર્ટી લુણા ટાપુ પર હોતાં ત્યાં તેમને એક ચરસનું જૂનું
પેકેટ બીનવારશુ હાલતમાં મળી આવ્યું હતું, જે પેકેટ જખૌ મરીન પોલીસ
સ્ટેશનને જમા કરાવવામાં આવ્યું હતું.