સરહદ પારથી મોતના સમાન એવા કેફી દ્રવ્યો અને શત્રો માટે દાયકાઓથી
ટ્રાન્ઝિટ પોઈન્ટ બની રહેલા કચ્છ માટે હવે દેશની અંદરથી આવતા કેફી દ્રવ્યોના વિષનો
સામનો કરવાનો પડકાર દિવસોદિવસ વધી રહ્યો છે. અત્યાર સુધી દારૂના દૂષણને નાથવાની અનિવાર્યતા
સતત અનુભવાતી રહી છે, તેનાથી વધુ
વિકરાળ એવી નાનીશી પડીકીમાં સમાયેલો મોતનો નશો દિવસોદિવસ વકરતો થયો છે. રવિવારે ખેડોઈ
નજીકની એક હાઈવે હોટેલ પરથી પોલીસે 14.30 ગ્રામ હેરોઈનની પડીકી ઝડપી લઈને આવા કેફી દ્રવ્યો વિરોધી કાર્યવાહીમાં
ઉમેરો કર્યો છે. તો નખત્રાણા તાલુકાના ખોંભડીમાં
10 કિલો ગાંજો ઝડપાયો છે. વિકસતા
કચ્છમાં દારૂનાં દૂષણનો આધુનિક વિકલ્પ હવે ડ્રગ્સ બની રહ્યો હોવાની વાસ્તવિક્તા થરથરાવી
મૂકે તેવી છે. ભીતિ એવી સેવાય છે કે, કચ્છ હવે ઊડતા પંજાબ જેવી હાલતના ઉંબરે પહોંચી રહ્યું છે. પોલીસની સતર્કતા
અને ઝડપી કાર્યવાહીને લીધે આ નશાનો સમાન આબાદ ઝડપાઈ ગયો તેનો સ્વાભાવિક સંતોષ વ્યક્ત
કરી શકાય, પણ આ ઝડપાઈ રહેલા સામાનની લાંબી બની રહેલી યાદી અને
વણઝડપાતા કેફી દ્રવ્યોથી વધતી નશાની નાગચૂડથી સમાજને જાગૃત કરવાની અને ખાસ તો યુવા
પેઢીને સલામત બનાવવા પર ધ્યાન આપવાની જરૂરત છતી કરે છે. પંજાબને માથે લાગેલા યુવા પેઢીની
લતના કંલકનો કચ્છમાં પણ ઓછાયો પડી શકે છે. છેલ્લા થોડા સમયથી કચ્છની હાઈવે હોટેલો પર
પંજાબની સામે સીધો વ્યવહાર ધરાવનારામાં નશાનો કારોબાર પૂરબહારમાં ખીલી રહ્યો હોવાની
હકીકત હેરોઈન, કોકેઈન અને અન્ય ડ્રગ્સ ઝડપવાના વધી રહેલા કિસ્સા
પરથી ફલિત થાય છે. અત્યાર સુધી એવી છાપ રહી છે કે, આવી હોટેલો
પર પંજાબ જેવા રાજ્યોના બંધાણી ટ્રકચાલકો આવા નશાનો આશરો લેતા હોય છે, પણ બાજુમાં અન્ય ચાલકોને આ વ્યસન તરફ ખેંચવાનું એક શ્વાસ લેવડાવવા જેટલું સરળ
બની રહે છે. ઉલ્લેખનીય છે કે, થોડા સમય અગાઉ ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છ અને મોરબીમાંથી અલગ-અલગ
કેસમાં ઝડપાયેલા રૂા. 87પ કરોડની
કિંમતના કેફી દ્રવ્યોનો નાશ કરાવીને રાજ્યને ડ્રગ્સ મુક્ત ગુજરાતની પ્રતિબદ્ધતા વ્યક્ત
કરી હતી. સરકાર અને પોલીસ સહિતની એજન્સીઓ કેફી દ્રવ્યોના પડકારની સામે સક્રિય જણાઈ
રહી છે, પણ હવે સમય પાકી ગયો છે કે, આ હાઈવે હોટેલો પર ચાંપતી નજર રાખવામાં આવે. ખાસ તો ટ્રકચાલકોને આવા નશાની
લતમાં સપડાતા રોકવાની સામાજિક અને મનોવૈજ્ઞાનિક પહેલ વ્યાપક રીતે હાથ ધરવી જોઈએ. નશાના
નુકસાનની સાથોસાથ આવા વર્ગને મનોરંજન માટે ધોરીમાર્ગો પર રમતગમત જેવાં સ્થળો વિકસાવવાની
તાકીદની જરૂરત વર્તાઈ રહી છે. શહેરોમાં એમ.ડી. ડ્રગ્સના વધી રહેલાં ચલણની સામે યુવાધનને
બચાવવા વાલીઓથી માંડીને શિક્ષણ સંસ્થાઓને સાથે રાખીને સતત ધ્યાન આપવું અનિવાર્ય બની
ગયું છે. સાથોસાથ યુવાનોને રોજગારીની તકો અંગે સતત માહિતગાર કરીને તેમની હાલત પંજાબના
યુવાધન જેવી ન થાય તેની કાળજી રાખવી જોઈએ. આશા રાખવી રહી કે પોલીસની સાથોસાથ સામાજિક
સંસ્થાઓ અને પરિવારો સાથે મળીને નશાની નાગચૂડને નાથી શકશે.