• શુક્રવાર, 08 ઑગસ્ટ, 2025

ચૂંટણીપંચ સાથે સાંઠગાંઠથી ભાજપ જીતે છે : રાહુલ

આનંદ કે. વ્યાસ તરફથી : નવી દિલ્હી, તા. 7 : ચૂંટણીપંચ ભાજપ સાથે સાંગઠગાંઠ રચીને મતોની ચોરી કરે છે, તેના પુરાવા સાથે પરમાણુ બોમ્બ ફોડીશ તેવો દાવો કરી ચૂકેલા કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ ગુરુવારે પત્રકાર પરિષદ યોજી હતી. લોકસભામાં વિપક્ષના નેતાઓ કથિત પુરાવા રજૂ કરીને દેશભરમાં મતદારયાદીમાં લાખો સાચા મતદાર ગાયબ કરવા સાથે ખોટા સરનામાવાળા લાખો બોગસ મતદારો યાદીમાં જોડાયા હોવાનો આરોપ મૂક્યો હતો. કર્ણાટકમાં આવી ગરબડના રાહુલના આરોપની તરત પ્રતિક્રિયામાં રાજ્ય ચૂંટણીપંચે રાહુલ પાસે સોગંદનામું માગ્યું હતું અને આરોપ ખોટા ઠરશે તો કાનૂની કાર્યવાહી કરાશે તેવી ચેતવણી આપી હતી. મતદારયાદીમાં ગરબડ પર એક કલાકથી વધુ સમય સુધી 22 પાનાંનું પ્રેઝન્ટેશન આપનારા રાહુલે કર્ણાટકની મતદારયાદી ક્રીન પર બતાવતાં કહ્યું હતું કે, યાદીમાં સંદિગ્ધ મતદારોનાં નામ મોજૂદ છે. પંચે ભાજપ સાથે મળી ચૂંટણી કરાવી છે. કર્ણાટકના ચૂંટણીપંચે કોંગ્રેસ સાંસદને પત્ર લખીને સ્પષ્ટપણે કહી દીધું હતું કે, રાહુલ ગાંધી સોગંદનામું આપે, તેમના આરોપો ખોટા નીકળશે, તો કાનૂની કાર્યવાહી કરાશે, તેવી ચેતવણી પંચે આપી હતી. કર્ણાટકની મહાદેવપુરા વિધાનસભા બેઠકની મતદારયાદી ક્રીન પર બતાવતાં રાહુલે દાવો કર્યો હતો કે, 6.5 લાખમાંથી એક લાખ મતની ચોરી કરાઈ છે. કોંગ્રેસની તપાસમાં એક લાખ જેટલાં નામોમાં ખોટાં સરનામા અને એક જ સરનામા પર ઘણા બધા મતદારનાં નામ તેમજ બોગસ મતદારો જણાયા છે. આ રાજ્યમાં 16 બેઠક પર કોંગ્રેસને જીત મળી હતી, પરંતુ અમે માત્ર નવ બેઠક જીત્યા. જ્યાં કોંગ્રેસને હાર મળી એ સાતમાંથી એક બેઠક પર પક્ષને 6,26,208 મત મળ્યા, ભાજપને 6,58,915 મત  મળ્યા. અંતર માત્ર 32,707 મતનું હતું, તેવું કોંગ્રેસ સાંસદે કહ્યું હતું. મહાદેવપુરા બેઠક પર બંને પક્ષ વચ્ચે મતોનું અંતર 1,14,046 રહ્યું એ હિસાબે જોતાં એક લાખથી વધુ મતોની ચોરી થઈ, તેવો આરોપ રાહુલે મૂક્યો હતો. લોકસભામાં વિપક્ષના નેતાએ દાવો કર્યો હતો કે, એ જ રીતે મહારાષ્ટ્રમાં તો થોડા મહિનામાં લાખો મતદારનાં નામ ઊમેરાયાં, જે ચિંતાજનક છે. 40 લાખ નામ રહસ્યમય છે. ચૂંટણીપંચે આ અંગે જવાબ આપવો જોઈએ. દરમ્યાન, રાહુલના `મતચોરી'ના આરોપોની તરત પ્રતિક્રિયામાં કર્ણાટકના મુખ્ય ચૂંટણી અધિકારીએ રાહુલ અને કોંગ્રેસ પ્રતિનિધિ મંડળને મળવા માટે આવતીકાલે શુક્રવારે બપોરે  1થી 3 વચ્ચેનો સમય આપ્યો હતો. ગાંધીએ દાવો કર્યો કે, કોંગ્રેસે છેલ્લા છ મહિનાથી ચૂંટણીપંચ દ્વારા મતચોરીના પુરાવા મેળવવા એક ટીમ બનાવી છે, જો ભારતીય ચૂંટણીપંચ અમને છેલ્લા 10-15 વર્ષના મશીન પ્રમાણિત ડેટા અને સીસીટીવી ફૂટેજ નહીં આપે તો તેઓ આ ગુનામાં સંડોવાયેલા છે, એ સાબિત થશે. આ બાબતે ન્યાયતંત્રએ પણ સંજ્ઞાન લેવું જોઇએ. કેમ કે, ભારતીયો લોકશાહીને ચાહે છે અને ભાજપ-ચૂંટણીપંચની સાંઠગાંઠથી થઇ રહેલી આ કાર્યવાહીથી લોકશાહીને ભયાનક નુકસાન થઇ રહ્યું છે. ગાંધીના દાવા પ્રમાણે એક જ મતક્ષેત્રમાં 11,965 ડુપ્લિકેટ મતદાતા, 40,009 ખોટાં સરનામા અને બનાવટી નામો સાથે કુલ 1,00,250 મત ચોરાયા. એક જ સરનામે 10,452 મતદાતા હોવાનું પણ પકડાયું છે. 4,132 મતદાતાના ફોટા ખોટા છે અને 33,692 મતદાતાઓએ નવા મતદાતાના ફોર્મ નંબર-6નો દુરુપયોગ કર્યો હતો. ગાંધીએ આક્ષેપ કર્યો હતો કે, આવું કારસ્તાન દેશભરમાં ચાલી રહ્યું છે, જે ભારતના બંધારણ અને ત્રિરંગા વિરુદ્ધનો અપરાધ છે. કોંગ્રેસ ચૂંટણીપંચને યાદ અપાવવા માગે છે કે, એનું કામ દેશમાં નિષ્પક્ષ ચૂંટણી કરાવવાનું છે. વડાપ્રધાનને સત્તા પર ટકી રહેવા માત્ર 25 સીટની જરૂર હતી, લોકસભાની ચૂંટણીનાં પરિણામો પર નજર કરો તો જણાશે કે, 25 સીટ પર ભાજપે 33,000થી ઓછા મતોથી જીત મેળવી છે. 

Panchang

dd