ગાંધીધામ, તા. 6 : કચ્છના આર્થિક પાટનગર તરીકે જાણીતા ગાંધીધામ સંકુલમાં નવું સબ ડિવિઝન, ઔદ્યોગિક વિકાસને કેન્દ્રમાં રાખીને ઔદ્યોગિક સબ ડિવિઝન સહિતના મુદ્દે રાજ્યના
ઊર્જામંત્રી સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી.પૂર્વ રાજ્યમંત્રી અને અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘના કાર્યકારી સિનિયર
પ્રમુખ વાસણભાઈ આહીર દ્વારા રાજ્યના ઊર્જામંત્રી
કનુભાઈ દેસાઈ સમક્ષ રજૂઆત કરી હતી. દરમ્યાન હાલમાં ગાંધીધામમાં સબ ડિવિઝનમાં 50 હજાર કરતાં વધુ ગ્રાહકો છે.
ગ્રાહકોને સારી સુવિધાઓ આપવા માટે અહી સત્વરે નવું ડિવિઝન આપવા, પીજીવીસીએલ અંજાર સર્કલ વિસ્તારમાં ઔદ્યોગિક વિકાસને જોતાં
ત્રણ નવા ઔદ્યોગિક સબ ડિવિઝન આપવા માટે ઓકટો.-2024માં મંત્રી દ્વારા બાંહેધરી અપાઈ હતી. આ સબ ડિવિઝન
મુદ્દે યોગ્ય કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો.કંપની ચેન્જ તથા સર્કલ ચેન્જ બદલીના
ઓર્ડરથી પીજીવીસીએલ કંપનીના ચારથી પાંચ સર્કલોમાં જુનિયર આસિસ્ટન્ટની ખાલી જગ્યા સત્વરે ભરવા, ગેટકો કંપનીમાં પચાસથી વધુ રહેમરાહે નોકરી માટેના
જીએસઓ 295ના કેસોમાં લાંબા સમયથી પડતર છે, જેનો ઝડપી નિકાલ કરી વારસદારોને નોકરી આપવા
તેમજ ગેટકોમાં આસિસ્ટન્ટ લાઈનમેન કેડરની 1100 જેટલી ખાલી જગ્યા ભરવા રજૂઆત કરવામાં આવી હતી. ઊર્જામંત્રીએ
ખાલી પડેલી તમામ જગ્યાઓ ભરવા અંગે તુરંત કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. બનાસકાંઠા જિલ્લાના સુઈ ગામથી કચ્છના નારાયણ સરોવર
સુધીના વિસ્તારોમાં દેશની સરહદ ઉપર ફરજ બજાવતા
વીર સૈનિકોને અવિરત પણે વીજપુરવઠો મળી રહે
તે માટે નવી સરહદી સબ ડિવિઝન કચેરી મંજૂર કરવા તેમજ સરહદી વિસ્તારમાં પાવર સપ્લાય સમારકામ વિગેરે મુદ્દે
પણ સંઘના પ્રતિનિધિ મંડળ દ્વારા રજૂઆત કરવામાં
આવી હતી. ગુજરાત વિદ્યુત બોર્ડ વચ્ચે
કંપનીકરણ સમયે થયેલ ત્રિપક્ષીય કરારની અવગણના
કરીને દરેક કંપનીઓના ફોલ્ટ સેન્ટરનું ખાનગીકરણ ન કરી વર્ગ -4ના કામદારોના ભવિષ્ય સાથે ચેડાં ન કરવા ભારપૂર્વક અનુરોધ કરાયો હતો. દરમ્યાન ઊર્જામંત્રી
શ્રી દેસાઈએ ઊર્જા વિભાગના સંલગ્ન જુદા-જુદા
પ્રશ્નોને શાંતિથી સાંભળીને યોગ્ય કરવાની હૈયાધારણ આપી હતી.