• ગુરુવાર, 07 ઑગસ્ટ, 2025

`હસુ ધ ગોલ્ડન હાર્ટ' દાતાઓની દિલેરીનો દસ્તાવેજ બનશે

કેરા (તા. ભુજ), તા. 6 : 56 વર્ષનાં જીવનમાં સળંગ ત્રણ દાયકા પરકાજે દાનનો ધોધ વહાવનાર મૂળ ફોટડી - કચ્છના મોમ્બાસામાં ઉદ્યોગપતિ હસુભાઈ ભુડિયાનાં જીવનકવન વિશેનો સ્મૃતિ સંપુટ હાલ તૈયાર થઈ રહ્યો છે, જેને આર. આર. પટેલ જેવી મુર્ધન્ય દૃષ્ટિનું માર્ગદશન મળ્યું છે. ગુજરાતી-અંગ્રેજી બે ભાષામાં પ્રકાશિત કરાશે.  કચ્છી લેવા પટેલ હોસ્પિટલને 25 વર્ષ પૂર્ણ થતાં ડિસેમ્બરમાં 26થી 28 ત્રિદિવસીય સેવાપર્વની જાહેરાત થઈ છે. જિલ્લાનાં મધ્યસ્થ આરોગ્ય કેન્દ્ર તરીકે જેની નામના છે તેવી આ હોસ્પિટલ હસુભાઈના પરિવારની દેન છે. ઈ.સ. 2000ની સાલમાં આર.આર. પટેલ, આર. એસ. હીરાણીએ દાતા કેશવલાલ ભુડિયાને દાન આપવા પ્રેરી સર્જન કરાવેલું જેમાં અમદાવાદ છારોડી ગુરુકુળના અધ્યક્ષ શાત્રી માધવપ્રિય સ્વામીના વિચારોની અસર રહી હતી. સમાજના કન્યા સંસ્કારધામનું નામકરણ પણ માધવપ્રિયદાસજી સ્વામીએ આપ્યું હતું. તે સમયનાં સંઘર્ષમાં ભુજ સ્વામિનારાયણ મંદિરના સંતો મોરલીમનોહરદાસજી સ્વામી, હરિસ્વરૂપ સ્વામી, ઘનશ્યામપ્રસાદ સ્વામી, વર્તમાન મહંત ધર્મનંદનદાસજી સ્વામી જેવા મોટા સંતોના આશીર્વાદ પ્રાપ્ત થયા હતા. સહજાનંદ રૂરલ ડેવ. ટ્રસ્ટની વાંચન પરબ વર્ષો સુધી વિનોદભાઈ કેવડિયા, અરજણભાઈ પિંડોરિયા સહિતનાએ સંવારી હતી. ગામોગામ ફરતા દવાખાનાં, મહિલાઓ માટે હીરા ઘસવાનું કેન્દ્ર સ્થપાયું હતુ. રાજકોટ ગુરુકુળ હેઠળ ધર્મજીવન આઈ હોસ્પિટલનું નિર્માણ કેશુભાઈ ભુડિયા, કાનજીભાઈ ભુડિયાએ કરાવેલું, ત્યારથી આજપર્યંત ત્રણ પેઢી જેણે છૂટા હાથે દાનનો ધોધ વહાવ્યો, છેલ્લે મોભી ગોપાલભાઈ ગોરસિયાએ કન્યા રતનધામ - સૂરજ શિક્ષણધામ માટે પ્રેર્યા, એસ.જી.વી.પી. હોસ્પિટલ હસુભાઈના મોટી મા રતનબેનનાં નામે છે. આફ્રિકામાં દૈનિક હજારોને અન્નદાન, દિવ્યાંગ બાળકો માટે શાળા અને ગરીબો માટે દાનનો દરબાર સવિશેષ કાર્યો હતાં. ભુજોડી ખાતે રબારી કન્યાઓ માટે મંગલમંદિર છાત્રાલય, અમદાવાદ, કંપાલા, મોમ્બાસા સખાવતી કેન્દ્રો રહ્યાં. આ તમામ કાર્યોને આવરી લેતા ગ્રંથનું નિર્માણ થઈ રહ્યું છે તેમાં હસુભાઈ પરિવારનાં પ્રદાન વિશે જેને લખવું હોય તે સંસ્થાઓ લખી આપે એવી અપીલ કરાઈ છે. વિશ્વભરના લેવા પટેલ સમાજને વિગત મોકલવા ઈજન અપાયું છે. સમગ્ર સર્જનમાં સમાજ પ્રમુખ વેલજીભાઈ પિંડોરિયા સહયોગી રહ્યા છે. 

Panchang

dd