ગઇ
છઠ્ઠી જુલાઇએ સચરાચર મહેર વરસાવ્યા બાદ મેઘરાજા લાંબા સમયથી ગાયબ રહેતાં જગતના તાતના
કપાળ પર ચિંતાની લકીરો દેખાવા લાગી છે. એ દરમ્યાન ક્યાંક ઝાપટાં કે ક્યાંક ઝરમર વરસાદ
જરૂર નોંધાયો છે, પરંતુ મુશ્કેલી એ છે કે, કપિત-સૂકી
ખેતી કરતા કિસાનોએ સારાં ચોમાસાંનાં મંગલાચરણ બાદ વાવણી કરી લીધી છે, હવે પાંચ-સાત દિવસમાં વરસાદ નહીં પડે તો વાવણી નિષ્ફળ જશે. કચ્છ માટે વરસાદ
ભાગ્યવિધાતા છે. એક-દોઢ દાયકા પહેલાંની તુલનાએ પાણીની સ્થિતિ અને વરસાદની પેટર્ન નિ:સંદેહ
બદલાઇ છે. નર્મદાની સિંચાઇની કેનાલનું કામ પૂરું થયું છે અને નર્મદાનાં ચોમાસાંમાં
મળનારાં વધારાનાં પાણી જળાશયો સુધી પહોંચાડવાનાં કામો ચાલી રહ્યાં છે. સદ્નસીબે છેલ્લા
લાગલગાટ ચોમાસાં સારાં ગયાં છે, આમ છતાં આજે પણ કચ્છના 70 ટકા ખેડૂતો સૂકી ખેતી આધારિત છે. અહીં એ નોંધનીય છે
કે, સૂકી ખેતી કરતા ખેડૂતો ઓછાં પાણીમાં પણ પાકી જાય તેવા ગોવાર,
મગ, મઠ, તલ, એરંડા, બાજરો જેવા પાકો પોંખતા હોય છે અને આ વખતે ચોમાસાંની
શરૂઆત સારી રહ્યા પછી પહેલી વાવણી ઉત્સાહભેર કરી પણ દેવાઇ છે. અત્યારે વિખેડા કઢાય
છે એટલે એકાદ અઠવાડિયા સુધી વાંધો નથી, પરંતુ ત્યાર પછી પણ વરસાદ
ન વરસે તો રામમોલ કરનારા ખેડૂતોનું વર્ષ નબળું જવાની ભીતિ નકારી ન શકાય. આમ તો દરેક
તાલુકામાં સૂકી ખેતી છે જ, પરંતુ ખાસ કરીને ખાવડા, આહીરપટ્ટી, પાવરપટ્ટી, લખપત પછી
અબડાસામાં તેરા, બિટ્ટા, વાયોર પંથક,
રાપરમાં બાલાસર, બેલા, જાટાવાડા
અને જ્યાં નર્મદાનાં નીરની કેનાલ નથી પહોંચી તેવા તમામ ભાગો, ભચાઉ તાલુકાના છાડવાડા, જંગી, વોંધ
સહિત વિસ્તારો પૂરેપૂરા મેઘરાજાની મહેરબાની પર નિર્ભર છે. છેલ્લાં કેટલાંક વર્ષથી કચ્છ
માટે જેઠ અને અષાઢ ફાયદાકારક રહ્યા છે. નૈઋઍત્ય ચોમાસાંના આરંભે શૂરાનો તાલ સર્જાય
છે, એ પછી વરસાદ ખેંચાય છે અથવા તો ભાદરવા જેમ છૂટોછવાયો વરસે
છે. આ વખતે જૂનની સરખામણીએ જુલાઇમાં સાર્વત્રિક વરસાદના દિવસો ઓછા જોવા મળ્યા. શ્રાવણ
આવી ગયા છતાં હજુ 64 ટકા
વરસાદ જ થયો છે. પરિણામે જળાશયોમાં જોઇએ તેટલું પાણી સંગ્રહિત થયું નથી. મધ્યમ સિંચાઇના
20 પૈકી 10 ડેમમાં
50 ટકાથી ઓછું પાણી આવ્યું છે. તેમાંય રુદ્રમાતા, સાનધ્રો, નરા અને કાસવતીમાં તો 30 ટકા પાણી માંડ બચ્યું છે. કચ્છમાં ચોમાસાંનો ઇતિહાસ
જોઇએ તો સારા વરસાદવાળાં અનેક વર્ષોમાં શ્રાવણની આખરમાં અથવા તો ભાદરવામાં ભરપૂર મહેર
વરસી છે. તહેવારોની સિઝન શરૂ થઇ ચૂકી છે, ત્યારે મેઘરાજાને પ્રાર્થના કરીએ કે
બાકીના દિવસોમાં મહેર વરસાવીને ખેડૂતોનું વર્ષ સુધારી દે. વરસાદ કચ્છ અને કચ્છીઓ માટે
ભાગ્યવિધાતા છે.