મુંદરા, તા. 6 : મુંદરા તાલુકામાં જાહેરમાં ચાલતા ગેરકાયદે કતલખાનાંઓ વિરુદ્ધ
મામલતદાર કચેરી પાસે સનાતન હિંદુ સમાજના અગ્રણીઓના નેજા તળે સમગ્ર દિવસના આ ધરણાના
બીજા દિવસથી કાર્યવાહી તો શરૂ થઈ હતી. જો કે, એ પરિણામલક્ષી અને ઠોસ ન હોવાની રાવ
ઊઠી છે તેમજ, કેટલીક
જગ્યાએ બંધ કરાયેલી ગેરકાયદે પ્રવૃત્તિ ફરી શરૂ થઈ ગયાનું પણ જાણવા મળે છે. આ સંદર્ભે
અગ્રણી માણેક ગિલવાએ જણાવ્યું હતું કે, આ પછી વિવિધ તંત્રનાં સંકલનથી મંગળવાર સવારથી કાર્યવાહી
શરૂ કરાઈ હતી. મુંદરા મામલતદાર સાથે બેઠક બાદ તંત્રના નેજા હેઠળ મુંદરા શહેર અને તાલુકા
વિસ્તાર માટે બે અલગ -અલગ ટીમો બનાવવામાં હતી, જેમાં શહેર ટીમમાં
નગરપાલિકા, મામલતદાર કચેરી, ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટ તેમજ
પોલીસ તંત્રના પ્રતિનિધિઓ સાથે મળીને ગેરકાયદે જીવ હત્યા કરનારાઓના હાટડા બંધ કરવાનું
શરૂ થયું હતું. આ ઉપરાંત ગ્રામ્ય ટીમમાં નગરપાલિકાનાં સ્થાને પંચાયતના સભ્યો સાથે મળીને
આવી જ ટીમ બનાવીને ટુંડા, ભુજપુર, સમાઘોઘા
જેવા વિસ્તારમાં કાયદેસર કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. લાયસન્સધારક કતલખાનાવાળાઓને
પણ ઘણા નિયમો હોય છે, જેનો ભંગ કરનારાઓનો પણ ધંધો બંધ કરાવવામાં આવ્યો છે. માત્ર શ્રાવણ માસ દરમિયાન
જ નહીં, પણ કાયમ માટે આવા ગેરકાયદે કતલખાના અને જીવ હત્યાની પ્રવૃત્તિ
બંધ કરવાની સનાતન હિંદુ સમાજની માગણી છે. દરમિયાન, આ સંદર્ભે
કાર્યવાહીથી જોડાયેલા સૂત્રોના કહેવા મુજબ, જે કમિટીએ કાર્યવાહી
કરવાનું નક્કી થયું હતું, એમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના કોઈ પ્રતિનિધિ
જોડાયા નહોતા, માત્ર પંચાયત અને નગરપાલિકા તેમજ પોલીસ તંત્રને
જ કાર્યવાહી હાથ ધરવી પડી રહી છે.