વોશિંગ્ટન/નવી દિલ્હી, તા. 6 (પીટીઆઈ)
: અમેરિકી ધમકીઓને અવગણીને રશિયા પાસેથી કાચું તેલ ખરીદવાનું ભારતે જારી રાખતાં રઘવાયા
બનેલા ડોનાલ્ડ ટ્રમ્પે દંડનો કોરડો ઉગામતાં વધારાના 25 ટકા ટેરિફ લાદવાની જાહેરાત
કરી હતી. આ સાથે ભારત પર કુલ 50 ટકા ટેરિફ
લદાયો છે, જેની અસર દેશના કાપડ, મરિન અને લેધરના ક્ષેત્રને ગંભીર રીતે થઈ શકે છે. ટ્રમ્પે આ અંગેનો એક્ઝિક્યુટિવ
ઓર્ડર પર આજે સહી કરી હતી. ટ્રમ્પનો આ આદેશ 21 દિવસ બાદ 27 ઓગસ્ટ-2025થી લાગુ થશે. આ સાથે જ ટ્રમ્પે
ભારત પર કુલ 50 ટકા ટેરિફ લગાવ્યો છે. પ્રારંભિક
ટેરિફ આવતીકાલ સાતમી ઓગસ્ટથી અમલી થશે, જ્યારે વધારાનો ટેરિફ 27 ઓગસ્ટથી લાગુ થશે. અમેરિકા તરફથી કહેવામાં આવ્યું છે કે, રશિયા પાસેથી ભારતની એકધારી તેલ ખરીદીના જવાબમાં
આ પગલું ભરવામાં આવ્યું છે. ટ્રમ્પે હસ્તાક્ષર કરી નાખેલા આદેશ અનુસાર આ ટેરિફ 21 દિવસમાં એટલે કે, 27 ઓગસ્ટ 2025થી અમલી બનશે. જો કે, આ તારીખ પહેલાં ભારતથી રવાના થયેલી અને 17 સપ્ટેમ્બર 2025 પહેલાં અમેરિકા પહોંચી ગયેલા
માલસામાન ઉપર આ ટેરિફ લાગુ નહીં થાય. આદેશમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, આ ટેરિફ અન્ય તમામ પ્રકારના ટેક્સ અને શૂલ્કથી
અલગ વસૂલવામાં આવશે અને અમુક ખાસ કિસ્સામાં જ તેમાં છૂટ અપાશે. અમેરિકાનાં આ પગલાં
પછી વિદેશ મંત્રાલય દ્વારા પ્રથમ પ્રતિક્રિયામાં કહેવામાં આવ્યું હતું કે, ટ્રમ્પનો આ નિર્ણય બેહદ દુર્ભાગ્યપૂર્ણ છે અને ભારત પોતાનાં હિતોની રક્ષા કરવા
માટે આવશ્યક પગલાં ઉઠાવશે. ટ્રમ્પ પ્રશાસને ભારત સાથેના તમામ સહયોગ અને સંબંધોને અભેરાઈએ
ચડાવીને આ પગલું ભર્યું છે. આનાથી ટ્રમ્પ એવો સંકેત આપવા માગે છે કે, રશિયા સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોઈ પણ દેશ તેલ આયાત કરશે તો તેની સામે
પણ આ પ્રકારની કાર્યાવાહી કરવામાં આવશે. જો કે, અમેરિકાની નીતિને
અનુરૂપ કોઈ દેશ ચાલે તો તેને આમાંથી છૂટ અથવા તો તેના ઉપરનાં ટેરિફમાં બદલાવ પણ સંભવ
છે. આ આદેશનો આધાર વર્ષ 2022માં ઘોષિત
રાષ્ટ્રીય કટોકટી છે, જેમાં અમેરિકાએ
રશિયાની યુક્રેન ઉપર સૈન્ય કાર્યવાહીને પગલે રશિયાના તેલ ઉપર આયાત પ્રતિબંધ મૂક્યો
હતો. હવે ટ્રમ્પે કહ્યું છે કે, ભારત આ પ્રતિબંધને અવગણીને રશિયા
પાસેથી તેલ ખરીદી રહ્યું છે અને તેનાથી રશિયાને આર્થિક લાભ થઈ રહ્યો છે, જેના હિસાબે આ પગલું ભરવામાં આવ્યું છે. ટ્રમ્પના ટેરિફ બોમ્બ ઉપર ભારત દ્વારા
નિવેદન જારી કરવામાં આવ્યું હતું, જેમાં કહેવામાં આવ્યું હતું
કે, અમેરિકાએ રશિયાથી ભારતની ક્રૂડ આયાતને નિશાન બનાવી છે. - આ વધારો અયોગ્ય
અને અન્યાયપૂર્ણ : ભારત : ભારત સરકારે ટ્રમ્પની કાર્યવાહીનો વિરોધ કરતાં તેને અયોગ્ય, અન્યાયપૂર્ણ અને બિનજરૂરી લેખાવતાં પોતાના રાષ્ટ્રીય
હિતોની સુરક્ષા માટે જરૂરી પગલાં ભરવાની વાત કરી હતી. ભારતે પહેલા જ આ મુદ્દે પોતાનું વલણ સાફ કરી દીધું
છે, જેમાં સામેલ છે કે, ભારતની ક્રૂડની
આયાત બજાર આધારિત હોય છે અને તેનો મુખ્ય હેતુ 140 કરોડ ભારતીયની ઊર્જા સુરક્ષા
સુનિશ્ચિત કરવી છે. નિવેદનમાં આગળ કહેવામાં આવ્યું હતું કે, દુર્ભાગ્યપૂર્ણ છે કે, અમેરિકાએ એવા કામ ઉપર ભારત ઉપર વધારાનો ટેરિફ લાદવાનો નિર્ણય કર્યો છે,
જે કોઈ અન્ય દેશ પણ પોતાના રાષ્ટ્રીય હિતમાં કરી રહ્યું છે. વધુમાં કહેવામાં
આવ્યું હતું કે, ફરી દોહરાવવામાં આવે છે કે, આ પગલું અયોગ્ય, અન્યાયપૂર્ણ અને અસંગત છે. ભારત પોતાના
રાષ્ટ્રીય હિતની રક્ષા માટે તમામ જરૂરી પગલાં ભરશે.