• ગુરુવાર, 07 ઑગસ્ટ, 2025

સરકારી દફ્તર સાથે ચેડાં કરવાના કેસમાં સુરતમાં કચ્છીની ધરપકડ

ભુજ, તા. 6 :  સરકારી દફ્તર સાથે ચેડાં કરવાના સુરત જિલ્લાના કેસમાં ભુજ નજીકના માધાપરમાં રહેતા હરેશ ડાયાભાઈ સાધુની સુરત પોલીસે ધરપકડ કરી છે. સુરતની જિલ્લા અદાલત દ્વારા જામીન અરજી નામંજૂર કરાયા બાદ હાલે સુરતની લાજપોર જેલમાં બંધ છે. સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના સોસક ગામની બ્લોક નંબર 176 સ્થિત ખાનગી માલિકીની જમીનના વેચાણનો કલેક્ટરનો ખોટો હુકમ ઊભો કરવાના કેસમાં સુરત ગ્રામ્યના ઓલપાડ પોલીસ મથકે ધરપકડ કરી છે. સત્તાવાર સાધનો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ અને કેસની ફરિયાદ અનુસાર ઓલપાડના સોસક ખાતે બ્લોક નંબર 176 ખાતે આવેલી જમીનના આ મામલામાં ત્યાંના મામલતદાર રમણભાઈ રત્નાભાઈ ભાભોરે જિલ્લા કલેક્ટરના આદેશથી આ ફોજદારી ફરિયાદ દાખલ કરાવી છે, જેમાં સરકારી રેકર્ડ સાથે ચેડાં, પૂર્વયોજિત કાવતરું, એટ્રોસિટી અને એકમેકને મદદગારી સહિતના આરોપ મૂકવામાં આવ્યા છે. આ ફરિયાદમાં આરોપી તરીકે કતારગામ સુરતના કીર્તિભાઈ અને તેના મોબાઈલ નંબર અને લસુખભાઈ લીંબાભાઈ નારોલા ઉપરાંત ભરતભાઈ નામના શખ્સના તેના મોબાઈલ નંબર સાથે અને તપાસમાં જેમની સંડોવણી નીકળે તેને બતાવાયા છે. આ કિસ્સાની પોલીસ તપાસ દરમ્યાન નામ નીકળતાં  ધરપકડ કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ધરપકડ બાદ તેના માટે મુકાયેલી જામીનની અરજી સુનાવણીના અંતે સુરતની જિલ્લા અદાલતના ખાસ ન્યાયાધીશ દ્વારા એસ.એમ. ગોવાણી દ્વારા ગત તા. 21મી જુલાઈના નામંજૂર કરાઈ હતી. આ પછી આ આરોપી માટે ગુજરાત હાઈકોર્ટ સમક્ષ જામીન અરજી મુકાઈ હતી. આ અરજીની એકમાત્ર સુનાવણી બાદ સંજોગો અનુસાર અરજી પરત ખેંચી લેવાઈ છે. 

Panchang

dd