• ગુરુવાર, 07 ઑગસ્ટ, 2025

65 લાખ કોણ ? ચૂંટણીપંચને `સુપ્રીમ' સવાલ

નવી દિલ્હી, તા. 6 : સુપ્રીમ કોર્ટે ચૂંટણીપંચને પૂછ્યું હતું કે, બિહારમાં જે 65 લાખ લોકોનાં નામ મતદારયાદીમાંથી કાઢી નખાયાં છે, તે તમામ લોકો કોણ છે ? એક અરજીની સુનાવણી કરતાં આ સવાલ કરાયો હતો. એસોસીએશન ફોર ડેમોક્રેટિક રિફોર્સ (એડીઆર) દ્વારા કરાયેલી અરજીમાં જણાવાયું હતું કે, બિહારમાં મતદારયાદી સુધારણા હેઠળ ચૂંટણીપંચે યાદીમાંથી હટાવાયેલાં નામોની કોઈ યાદી જારી કરી નથી. ન્યાયમૂર્તિ સૂર્યકાંત, ઉજ્જલ ભુઈયાં અને એન.કે. સિંહની ખંડપીઠે એડીઆરની આ અરજી પર સુનાવણી કરતાં ચૂંટણીપંચ પાસેથી જવાબ માગ્યો હતો. સર્વોચ્ચ અદાલતે શનિવાર સુધીમાં ચૂંટણીપંચ પાસે જવાબ માગતાં 65 લાખ મતદારની જાણકારી અરજી કરનાર રાજકીય પક્ષો તેમજ એડીઆરને પણ આપવાનો નિર્દેશ આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે, જે 65 લાખ મતદારનાં નામ યાદીમાંથી દૂર કરાયાં છે, તેમાંના કેટલાક લોકોનાં મૃત્યુ થઈ ચૂક્યાં છે, તો કાયમી બીજી જગ્યાઓ પર ચાલ્યા ગયા છે અથવા બે જગ્યાએ આવા લોકોનાં નામો બોલે છે. એડીઆર તરફથી વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણે કહ્યું હતું કે, રાજકીય પક્ષોને હટાવાયેલાં નામોની યાદી તો અપાઈ છે, પરંતુ તેમાં કોનું મૃત્યું થયું, કોણ બીજાં સ્થળે ગયું, જેવી વિગતો નથી અપાઈ. ચૂંટણીપંચે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું આપતાં અગાઉ કહ્યું હતું કે, અમારો આશય અપાત્ર લોકોને હટાવી માત્ર યોગ્ય નામો જ યાદીમાં રાખવાનો છે. 

Panchang

dd