• ગુરુવાર, 07 ઑગસ્ટ, 2025

કર્તવ્યભવનમાં વિકાસની નીતિઓ ઘડાશે

આનંદ કે. વ્યાસ તરફથી : નવી દિલ્હી, તા. 6 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે  દિલ્હીના કર્તવ્યપથ પર કર્તવ્યભવન-3 ઈમારતનું ઉદ્ઘાટન કર્યા પછી જણાવ્યું હતું કે, કર્તવ્યભવનમાં વિકસિત ભારતની નીતિઓ બનશે. આ માત્ર ઈમારત નથી, પરંતુ કરોડો ભારતીયનાં સ્વપ્નોને સાકાર કરવાની ભૂમિ છે. આ ભવનમાં ગૃહ અને વિદેશ સહિત સાત મંત્રાલય ધમધમશે.  કર્તવ્યભવનની જરૂરિયાતને યથાર્થ લેખાવતાં વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, 100 વર્ષથી ગૃહ મંત્રાલય એક જ ઈમારતમાં છે. કેટલાંક મંત્રાલયો ભાડાંની ઈમારતમાં છે, જેના માટે સરકારે વાર્ષિક 1500 કરોડ રૂપિયાના ભાડાં ખર્ચવા પડે છે. આ ભવન બનવાથી આ જંગી ખર્ચ બચી શકશે. આત્મનિર્ભર ભારતના પ્રતીકસમાન કર્તવ્યભવન જનસેવાને ગતિ આપશે, તેવું કહેતાં મોદીએ તેના નિર્માણમાં શ્રમજીવીઓને રૂબરૂ મળી શાબાશી પણ આપી હતી. આ ભવનમાં ગૃહ અને વિદેશ સહિત સાત મંત્રાલયનાં કાર્યાલય સાથે 24 કોન્ફરન્સ રૂમ તેમજ 600 કારનાં પાર્કિંગની સુવિધા છે. રાજધાનીમાં અલગ-અલગ સ્થળે સ્થિત વિવિધ મંત્રાલયો, વિભાગોને એક સાથે લાવી, તેમના વચ્ચે સૂચારુ સંકલન દ્વારા કામોમાં ગતિ લાવવાના હેતુ સાથે કર્તવ્યભવનનું નિર્માણ કરાયું છે. કુલ દોઢ લાખ વર્ગ મીટરમાં ફેલાયેલાં ભવનમાં શિશુગૃહ, યોગખંડ, મેડિકલ રૂમ, રસોડું, કાફે, હોલ સહિતની સુવિધાઓ પણ છે. કુલ સાત માળ છે, જેમાં ગૃહ અને વિદેશ મંત્રાલય ઉપરાંત, ગ્રામ વિકાસ મંત્રાલય, એમએસએમઈ મંત્રાલય, કર્મચારી અને તાલીમ વિભાગ, પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલય, મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર તેમજ આઈબીની કચેરીઓ હશે. સરકારના જણાવ્યાનુસાર, 1950 અને 1970ના દાયકા વચ્ચે બનેલાં શાત્રીભવન, કૃષિભવન, ઉદ્યોગભવન, નિર્માણ જર્જરિત થઈ ચૂક્યાં છે.દરમ્યાન, કર્તવ્યભવન-1 અને બીજી ઈમારતો પણ નિર્માણાધિન છે. જે આગામી મહિના સુધી પૂર્ણ થઈ જશે, તેવું જાણવા મળ્યું હતું. કર્તવ્યભવનનું નિર્માણ પૂરું થયા બાદ સાઉથ બ્લોક અને નોર્થ બ્લોક ખાલી કરાવી દેવામાં આવશે. કેન્દ્ર સરકારના તમામ મંત્રાલય કર્તવ્યભવનમાંથી જ ચાલશે, જ્યારે સાઉથ અને નોર્થ બ્લોક ભારત સંગ્રહાલય બનાવવામાં આવશે. સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ હેઠળ ત્રણ કર્તવ્યભવનનું નિર્માણ થવાનું છે, જેમાં પીએમ મોદીએ કર્તવ્યભવન-3નું ઉદ્ઘાટન કરી દીધું છે. કર્તવ્યભવન-3માં ગૃહ મંત્રાલય, વિદેશ મંત્રાલય, ગ્રામીણ વિકાસ મંત્રાલય, એમએસએમઈ મંત્રાલય, કાર્મિક અને પ્રશિક્ષણ કાર્ય મંત્રાલય, પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલય, પ્રધાન વૈજ્ઞાનિક સલાહકારના કાર્યાલય ખસેડાશે.  

Panchang

dd