ભુજ, તા. 6 : ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ, ગાંધીનગર દ્વારા પ્રેરિત તથા જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, કચ્છ દ્વારા આજે યોજાયેલી સંસ્કૃત ગૌરવ યાત્રાને શહેરના જ્યુબિલી
ગ્રાઉન્ડ ખાતેથી મહાનુભાવોના હસ્તે પ્રસ્થાન કરાવાયું હતું, જેમાં બે હજાર જેટલા વિદ્યાર્થી, શિક્ષકો તેમજ અન્ય નગરજનો સહિત 2500થી વધારે લોકો જોડાયા હતા. આજની આ ગૌરવ યાત્રામાં ભુજ શહેરની
વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ, કચ્છ યુનિવર્સિટી
તેમજ ભાષાભવન, કોલેજો દ્વારા પ્રાચીન તેમજ અર્વાચીન સંસ્કૃત સાહિત્યને
વાચા આપતી વિવિધ સંસ્કૃત કૃતિઓ, સંસ્કૃત ગરબા, સંસ્કૃત ગીત, સંસ્કૃત પાત્રોની વેશભૂષા, સંસ્કૃત ટેબ્લો વગેરે પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. એમ.એસ.વી. હાઇસ્કૂલ માધાપર દ્વારા સંસ્કૃત ગાનની
પ્રસ્તુતિ અભિનય તેમજ નૃત્ય દ્વારા કરવામાં આવી હતી, વી.ડી. હાઇસ્કૂલ
તેમજ સ્વામિનારાયણ કન્યા વિદ્યામંદિર મિરજાપરના વિદ્યાર્થીઓ દ્વારા બેન્ડની પ્રસ્તુતિ
તેમજ સંસ્કૃત સાહિત્યનાં પ્રાચીન પાત્રોને વેશભૂષા દ્વારા મઢવાનો પ્રયાસ સ્વામિનારાયણ
વિદ્યાલય, અજરામરજી હાઇસ્કૂલ, સ્વામિનારાયણ
કન્યા વિદ્યાલય હરિપર અને આશાપુરા વિદ્યાલય ભુજ દ્વારા કરવામાં આવ્યો હતો. ગૌરવ યાત્રામાં `ગુરુ પરંપરા' દર્શાવતો ટેબ્લો આર.ડી. વરસાણી કુમાર વિદ્યાલય
ભુજ દ્વારા તેમજ `આધુનિક વિજ્ઞાનમાં
સંસ્કૃતનો ઉપયોગ' થીમ પર આધારિત
ટેબ્લો કચ્છ યુનિવર્સિટીના સંસ્કૃત વિભાગ દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો. માતૃછાયા કન્યા
વિદ્યાલય તેમજ ઈન્દ્રાબાઈ ગર્લ્સ હાઇસ્કૂલ ભુજની વિદ્યાર્થીનીઓ દ્વારા `સંસ્કૃત ગરબા સાથે નૃત્ય'ની રજૂઆત કરવામાં આવી હતી. સંસ્કૃત ગૌરવયાત્રામાં
વિદ્યાર્થીઓએ `િતરંગા' સાથે દેશભક્તિની ઝાંખી પણ કરાવી હતી. આ યાત્રામાં
ભુજ શહેરની સંસ્કૃત ભારતી સાથે સંકળાયેલી વ્યક્તિઓ પણ જોડાઈ હતી. હમીરસર તળાવના કાંઠે
પહોંચ્યા બાદ યાત્રાનો સમાપન સમારોહ મંદિરના ઉપમહંત સદગુરુ પુરાણી સ્વામી ભગવતજીવનદાસજી,
મુખ્ય કોઠારી પાર્ષદ જાદવજી ભગત, ડો. સ્વામી લક્ષ્મણપ્રકાશદાસજી
સહિત ટીમ એજ્યુકેશન કચ્છની ઉપસ્થિતિમાં સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાયો હતો,
જ્યાં અંજાર વિભાગના ધારાસભ્ય ત્રિકમભાઈએ સંસ્કૃત ભાષાને સતત જીવંત રાખવા
સૂચન કર્યું હતું. કેશુભાઈ પટેલે જીવનમાં સંસ્કૃત ભાષાને આત્મસાત કરવા જણાવ્યું હતું.
ઉપમહંત સ્વામી દ્વારા આશીર્વચન પાઠવવામાં આવ્યા હતા. ગૌરવયાત્રામાં ભાગ લેનાર તમામ
સંસ્થાઓ અને કૃતિઓને જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરી તરફથી પ્રમાણપત્ર
આપી બિરદાવવામાં આવ્યા હતા. આજના આ કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણાધિકારી સંજય પરમાર,
જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ભૂપેન્દ્રાસિંહ વાઘેલા, કચ્છ યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલપતિ ડી. એમ. બકરાણિયા, રજિસ્ટ્રાર અનિલ ગોર, સંસ્કૃત પાઠશાળાના વિભાકર અંતાણી,
વિવિધ શૈક્ષણિક મંડળના આગેવાનો, બોર્ડ મેમ્બર અને
ઓફ્રેડ હાઇસ્કૂલના આચાર્ય દિવ્યરાજાસિંહ જાડેજા તેમજ તમામ સંઘના હોદ્દેદારો ઉપસ્થિત
રહ્યા હતા. વ્યવસ્થામાં ઓફ્રેડ હાઇસ્કૂલના વિદ્યાર્થીઓ, વર્ગ
2 આચાર્યો,
કચેરીની સમગ્ર ટીમ સહભાગી બન્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંસ્કૃત ભાષામાં
સંચાલન પ્રાથમિક શિક્ષક અમિત ગોર તેમજ અભારવિધિ ઘનશ્યામ નાકર (સંસ્કૃત બોર્ડ જિલ્લા
નોડલ)એ કર્યા હતા.