ભુજ, તા. 6 : ચારેક વર્ષ પૂર્વે સાગરકાંઠે
તણાઇ આવેલા ચરસના પેકેટની વેચસાટ કરવા નીકળેલા શખ્સોને 13 ચરસ પેકેટના મુદ્દામાલ સાથે
ઝડપી કાયદેસરનો ગુનો નોંધી કાર્યવાહી કરાઈ હતી. આ કેસમાં આરોપી મામદ હુસેન સમા (રહે
પૈયા ખાવડા) અને મુસ્તાક અલીમામદ સુમરા (રહે. સુથરી તા. અબડાસા)ને સ્પે. કોર્ટે તક્સીરવાન
ઠેરવી 12-12 વર્ષની સખત કેદ તથા બે-બે લાખનો
દંડ ફટકારતો ધાક બેસાડતો ચુકાદો આપ્યો છે. આ કેસની ટૂંક વિગતો મુજબ ગત તા. 29-11-21ના એસઓજીએ બાતમીના આધારે ચરસ
વેચવા નીકળેલા મામદ સમાને નકલી ગ્રાહકોનું છટકું ગોઠવી ભુજમાં ખારીનદી પાસે પાંચ ચરસના
પેકેટ સાથે ઝડપી લીધા બાદ તેની પૂછતાછમાં આ જથ્થો તેના મિત્રો મુસ્તાક અલીમામદ સુમરા
અને કાસમ અલીમામદ સુમરા, આમદ ઉર્ફે
અધાયો ઉર્ફે ફ્રન્ટી સિધિક મંધરા વેચાણ માટે આપી ગયાનું જણાવ્યું હતું. આ બાદ મુસ્તાકની
પૂછતાછમાં ખેતરમાં સંતાડેલા આઠ ચરસના પેકેટ મળી આવ્યા હતા. મુસ્તાકે પૂછતાછમાં જણાવ્યું
હતું કે, આ 13 ચરસના પેકેટ તેને તથા તેના ભાઇ કાસમને વિજય સિધિક કોળીએ આપ્યા
હતા. આમ જે-તે સમયે આરોપીઓ વિરુદ્ધ એ-ડિવિઝન પોલીસ મથકે ગુનો દાખલ કરાયો હતો. તપાસના
અંતે અન્ય આરોપીઓ સાથે ચાર્જશીટ દાખલ થતાં આ કેસ સ્પે. એન.ડી.પી.એસ. કોર્ટ છઠ્ઠા અધિક
સેશન્સની અદાલતમાં ચાલી જતાં જજ વિરાટ અશોકભાઇ બુદ્ધે માનવ સમાજ અને દેશના યુવા વર્ગને
ગંભીર અસર કરતા આ નશાની બદીને વકરતી રોકવી જરૂરી સમજીને મામદ તથા મુસ્તાક પાસે માદક
પદાર્થ ચરસ મળતાં તેને કસૂરદાર ઠેરવી 12-12 વર્ષની સખત કેદની સજા તથા બે-બે લાખનો દંડ ફટકારતો હુકમ કર્યો
હતો. આ ઉપરાંત અન્ય આરોપી વિજય સિદિક કોલી (સુથરી),
આમદ ઉર્ફે અધાયો ઉર્ફે ફ્રન્ટી સિધિક મંધરા (સુથરી) અને કાસમ અલીમામદ
સુમરા (સુથરી)ને શંકાનો લાભ આપી છોડી મૂકવા હુકમ કર્યો હતો. આ કેસમાં સરકાર તરફે અધિક
જિલ્લા સરકારી વકીલ ડી.જે. ઠક્કરે હાજર રહી દલીલો કરી હતી.