નવી દિલ્હી, તા. 6 : ત્રણેય સેના
માટે ડ્રોન, મિસાઈલ, રડાર, સૈન્ય વાહનો માટે નાઈટ વિઝન ઉપકરણ સહિત અનેક પ્રકારના
હથિયારોની 67000 કરોડની ખરીદીને
સંરક્ષણ મંત્રાલયે મંજૂરી આપી છે. લાંબા અંતર સુધી ઉડાન ભરી શકતાં ડ્રોન, મિસાઈલ સિસ્ટમ સહિત અનેક ઘાતક શત્રોની ભારત
ખરીદી કરવા જઈ રહયું છે. મિલિટ્રી પ્રોજેક્ટસ અંતર્ગત આ ખરીદીને મંજૂરી અપાઈ છે. સંરક્ષણ
મંત્રી રાજનાથ સિંહની આગેવાની હેઠળ સંરક્ષણ ખરીદ પરિષદ (ડીએસી) ની બેઠક મળી હતી. મંત્રાલય
અનુસાર નેવી માટે કોમ્પેકટ ઓટોનોમસ સરફેસ ક્રાફટ, બ્રહ્મોસ ફાયર
કંટ્રોલ સિસ્ટમ, લોન્ચરની ખરીદી, બરાક-1 ડિફેન્સ મિસાઈલ સિસ્ટમને અપગ્રેડ કરવા મંજૂરી
આપવામાં આવી છે. આ ખરીદીથી ત્રણેય સેનાની ઓપરેશનલ ક્ષમતામાં વધારો થશે.