ભુજ, તા. 6 : પોલીસની ખોટી ઓળખ આપી સુખપરના
વૃદ્ધને હનીટ્રેપમાં સપડાવાના ચકચારી બનાવમાં પોલીસ બનેલા બે આરોપી તથા એક મહિલા આરોપીને
એલસીબીએ ઝડપી પાડયા છે. હનીટ્રેપના ગુનાની ગંભીરતાને ધ્યાને ઉચ્ચ પોલીસ અધિકારીઓએ આ
કેસના આરોપીઓને તાત્કાલિક પકડી પાડવા એલસીબીને સૂચના આપતા ઇન્ચાર્જ પી.આઇ. એચ.આર. જેઠી, પીએસઆઇ જે.બી. જાદવના માર્ગદર્શન હેઠળ ટીમે
આરોપી કમલેશ દયાપ્રસાદ વર્મા, ભગવતકુમાર ઓમપ્રકાશ રાણા તેમજ મુસરાબેન
મજીદખાન પઠાણ (રહે. ત્રણે આશાપુરાનગર ગીતા કોટેજ, ભુજ)ને ઝડપી
લીધા હતા. એલસીબીના એએસઆઇ પંકજકુમાર કુશવાહ, સુનીલ કુમાર,
સુરજભાઇ વેગડા, કોન્સ. જયદેવસિંહ જાડેજા,
જીવરાજ તથા મહિલા કોન્સ. પ્રિયંકાબેન ચાંગાણી ટીમે તપાસ દરમ્યાન હયુમન
રિસોર્સ અને ટેકનીકલ સર્વેલન્સના આધારે આરોપી કમલેશને તેના ઘરેથી ઝડપી પૂછતાછ કરતા
તેણે દાખલ ગુનાની કબુલાત કરી હતી. સુખપરના વૃદ્ધને સહ આરોપી હેમલતા ઉર્ફે સોનુએ ફોન કરી મોહજાળમાં ફસાવી આકાંતમાં મળવાની વાત કરી
મુસરાબેનના કબજા ભોગવટાના મકાનમાં લઇ જઇ ત્યાં પ્લાન પ્રમાણે પોતે તથા ભગવતકુમાર અને
મુસરાબેને ગુનો કર્યાનું જણાવ્યું હતું. બીજા આરોપીઓ અંગે પુછતાં બાજુમાં ઘરે હાજર
હોવાનું કહેતા ભગત કુમાર અને મુસરાબેનને ઝડપી પૂછતાછ કરતા ગુનાની કબૂલાત કરી હતી. ત્રણ
આરોપીને એલસીબીએ ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.