મુંબઇ તા.પ : શુભમન ગિલની આગેવાનીમાં ઇંગ્લેન્ડ પ્રવાસમાં ભારતીય યુવા ટીમની
સફળતા પછી ભારતીય ક્રિકેટના બે સૌથી અનુભવી અને સ્ટાર ખેલાડી વિરાટ કોહલી અને રોહિત
શર્માને વન ડે કારકિર્દી પર પ્રશ્નાર્થ સર્જાયો છે. બોર્ડના સૂત્રોને ટાંકીને એક અહેવાલમાં
જણાવાયું છે કે બીસીસીઆઈ ભાવિ યોજના અંગે બંને સાથે વાત કરશે. 38 વર્ષીય રોહિત શર્મા અને 36 વર્ષીય વિરાટ કોહલી ટેસ્ટ અને
ટી-20 ઇન્ટરનેશનલ ફોર્મેટમાંથી સંન્યાસ
લઇ ચૂકયા છે. ઓવલ ટેસ્ટની રોમાંચક જીત પછી
કોચ ગૌતમ ગંભીર અને બીસીસીઆઇના મુખ્ય પસંદગીકાર અજીત અગરકર યુવા ખેલાડીઓના દેખાવથી
ઘણા પ્રભાવિત થયા છે. ભારતીય ટીમ હવે 9 સપ્ટેમ્બરથી યૂએઇમાં એશિયા કપ રમવાની છે. એટલે હજુ એક મહિના
પછી ભારતીય ટીમ મેદાનમાં જોવા મળશે. આ વખતે એશિયા કપ ટી-20 ફોર્મેટમાં રમાવાનો છે. આથી
રોહિત-વિરાટની જોડી જોવા મળશે નહીં. આ પછી ટીમ ઇન્ડિયા ઘરઆંગણે ઓસ્ટ્રેલિયા અને દ.
આફ્રિકા વિરૂધ્ધ 3-3 મેચની વન
ડે સિરીઝ રમવાની છે. આ શ્રેણીમાં રોહિત અને વિરાટ રમશે કે નહીં તે નિશ્ચિત નથી. બીસીસીઆઇ
તેમની વન ડે કારકિર્દી પર જલ્દીથી વાતચીત કરીને આખરી નિર્ણય લીધો છે. 2027ના વન ડે વર્લ્ડ કપને હજુ બે
વર્ષ બાકી છે. ત્યારે રોહિત 40 અને કોહલી
38 વર્ષનો હશે. આથી કોચ ગંભીર
અને મુખ્ય પસંદગીકાર અગરકર યુવા ખેલાડીઓને વધુ ને વધુ તક આપવાની તરફેણમાં છે. ગિલ હાલ
આઇસીસી વન ડે ક્રમાંકમાં નંબર વન બેટર છે. તે હવે આ ફોર્મેટનો કેપ્ટન બનવા માટે ફેવરિટ
છે.