કોલકાતા, તા. 13 : આવતીકાલથી ઇડન ગાર્ડનમાં શરૂ થઇ રહેલી
પ્રથમ ટેસ્ટમાં દક્ષિણ આફ્રિકાના શાનદાર સ્પિન આક્રમણ સામે ભારતના સિતારા બેટધરોના
કૌશલની કસોટી થશે. એ જ રીતે ઇન્ડિયાનું પણ બોલિંગ આક્રમણ મજબૂત હોવાથી પ્રવાસી
બેટધરો માટે સ્થિતિ સરળ નહીં હોય. ભારતે ગયા વર્ષે ઘરઆંગણે ન્યૂઝીલેન્ડે 3-0થી હાર
આપી હતી, ત્યારે
એઝાઝ પટેલ, મિચેલ સેંટનર અને ગ્લેન ફિલિપે મળીને 36 વિકેટ
લીધી હતી. દ. આફ્રિકાનું બોલિંગ આક્રમણ હાલ સ્પિનરો પર નિર્ભર છે. આથી ટીમ
ઇન્ડિયાએ ધીમા બોલરો સામે તેનાં પ્રદર્શનમાં સુધારો કરવો પડશે. વર્લ્ડ ચેમ્પિયન દ.
આફ્રિકા ટીમ મોટાભાગે તેના ઝંઝાવાતી ઝડપી બોલર માટે જાણીતી છે, પણ વર્તમાનમાં તેની પાસે
ધૂરંધર સ્પિનરો છે. આફ્રિકી ટીમ પાકિસ્તાન વિરુદ્ધની ટેસ્ટ શ્રેણી 1-1થી
ડ્રો કરી ભારત પહોંચી છે. આ શ્રેણીમાં કેશવ મહારાજ, સાઇમન હાર્મર અને સેનુરન મુથુસામીએ 39માંથી 3પ વિકેટ
લીધી હતી. ભારતના સહાયક કોચ રેયાન આફ્રિકી બોલિંગ આક્રમણને ઉપમહાદ્વીપ (એશિયન)
શૈલિનું બતાવી ચૂકયા છે. તેમણે કહ્યંy કે, તેમની પાસે ચાર સ્પિનર
છે. જેમાંથી ત્રણને ઉતારી શકે છે. અમે ન્યૂઝીલેન્ડ સામેની શ્રેણીમાંથી બોધપાઠ લીધો
છે. ભારતની ઇલેવનમાં આકાશદીપને તક મળી શકે છે કારણ કે, ઇડન
ગાર્ડન તેનું હોમ ગ્રાઉન્ડ છે. આવું થશે, તો ભારતની ઇલેવનમાં
એક બેટધર અથવા તો એક સ્પિનરની બાદબાકી થશે. આ ઉપરાંત બન્ને વિકેટકીપર રિષભ પંત અને
ધ્રુવ જુરેલનો ઇલેવનમાં નિશ્ચિત માનવામાં આવે છે. ભારતને ફરી એકવાર કેએલ રાહુલ અને
યશસ્વી જયસ્વાલ પાસેથી સારી શરૂઆતની અને કપ્તાન શુભમન ગિલ પાસેથી મોટી ઇનિંગ્સની
આશા રહેશે. ભારત માટે ફરી એકવાર બુમરાહ અને સિરાજની જોડી ટ્રમ્પ કાર્ડ બની શકે છે.
કારણ કે આ વખતે કોલકાતાની વિકેટ સપાટ નહીં હોય. પાછલા 1પ
વર્ષમાં અહીં ઝડપી બોલરોને 61 ટકા વિકેટ મળી છે. જ્યારે
આફ્રિકાને તેના કપ્તાન તેંબા બાવૂમા,
એડન માર્કરમ, રિયાન રિકલટન, ટ્રિસ્ટન સ્ટબ્સ, કાઇલ વેરેન અને ટોની ડિ જોર્જી
પાસેથી આ શ્રેણીમાં સારા દેખાવની આશા રહેશે. આફ્રિકાની ઇલેવનમાં બે ઝડપી બોલર
તરીકે કાગિસો રબાડા અને માર્કો યાનસનનો સમાવેશ થઇ શકે છે. મેચ શુક્રવાર સવારે 9-30થી
શરૂ થશે. ટીમ ઇન્ડિયાની નજર ઘરઆંગણે ટેસ્ટ શ્રેણી જીતી વર્લ્ડ ટેસ્ટ
ચેમ્પિયનશિપમાં આગેકૂચ કરવા પર રહેશે.