નવી દિલ્હી, તા. 26 : ઓનલાઇન ગેમીંગ
કંપની ડ્રીમ-11 અને બીસીસીઆઇ વચ્ચેનો કરાર
સમજૂતી સાથે સમાપ્ત થઇ ચૂકયો છે. બીસીસીઆઇના સેક્રેટરી દેવાજીત સૈકિયા આ વાતની પુષ્ટિ
કરી ચૂક્યા છે. ભારતીય ટીમને 9 સપ્ટેમ્બરથી
એશિયા કપ રમવાનો છે. બીસીસીઆઇને નવા ખિતાબી પ્રાયોજકની શોધ છે. અનેક ટોચની કંપનીઓ મેદાનમાં
છે. બીસીસીઆઇએ એક-બે દિવસમાં ઓનલાઇન ટેન્ડર બહાર પાડી શકે છે અને નવા ટાઇટલ સ્પોન્સર
માટેનો કરાર વર્ષ 2026 અંત સુધીનો
હશે. ટીમ ઇન્ડિયાની જર્સી પર પોતાની કંપનીનો લોગો મુકવા માટે મોટી મોટી કંપની રેસમાં
હોવાના અહેવાલ છે. બીસીસીઆઇએ ડ્રીમ-11 સાથે ત્રણ વર્ષના કરાર માટે રૂ. 3પ8 કરોડ લીધા હતા. નવા કરારમાં બીસીસીઆઇને ફાયદો થશે. કારણ કે ઓનલાઇન
ટેન્ડરની બોલી ઊંચી લાગી શકે છે. અહેવાલ અનુસાર હાલ મહિલા આઇપીએલ ડબ્લ્યૂપીએલની ટાઇટલ
સ્પોન્સર કંપની ટાટા હવે ટીમ ઇન્ડિયાની ખિતાબી પ્રાયોજક બનાવાની રેસમાં આગળ ચાલી રહી
છે. ગુજરાતના અદાણી જૂથે પણ હિલચાલ શરૂ કરી છે. તેની ટીમ ડબ્લ્યૂપીએલમાં ગુજરાત જાયન્ટસના
નામે રહે છે. અદાણી જૂથની નજર હવે ટીમ ઇન્ડિયાના પ્રયોજક બનવા પર છે. રિલાયન્સ ગ્રુપની
કંપની જિયો પણ ટીમ ઇન્ડિયાના ટાઇટલ સ્પોન્સરની બોલીમાં ઉતરશે તે નિશ્ચિત માનવામાં આવે
છે. રિલાયન્સ કંપનીનું ક્રિકેટમાં વર્ચસ્વ મજબૂત છે. ઓટોમોબાઇલ કંપની મહિન્દ્રા એન્ડ
મહિન્દ્રા લિમિટેટ પણ રેસમાં હોવાના અહેવાલ છે. અન્ય એક ઓટોમોબાઇલ કંપની ટોયોટાએ પણ
ઓનલાઇન ટેન્ડર ઉપાડવાની યોજના બનાવી છે. તે વિશ્વસ્તરે ફીફા વર્લ્ડ કપ જેવી મોટી ટૂર્નામેન્ટ
સ્પોન્સર કરી ચૂકી છે. આ ઉપરાંત જેએસડબ્લ્યૂ, પેપ્સી, એન્જલ વન, ગ્રો પણ ટીમ
ઇન્ડિયાના ટાઇટલ સ્પોન્સર બનવા તલપાપાડ છે અને કરોડોની બિડ લગાવી શકે છે.