રાપર, તા. 23 : નવી દિલ્હીના જંતરમંતર ખાતે
શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન દરમિયાન થયેલા કથિત લાઠીચાર્જના વિરોધમાં રાપર તાલુકાના
ડો. આંબેડકર યુવા ગ્રુપ દ્વારા ડો. આંબેડકરની પ્રતિમા પાસેથી જનાક્રોશ રેલી યોજી શહેરના
વિવિધ માર્ગો પર ફરી રાપર મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં
જણાવાયું હતું કે, ભારતનું બંધારણ
દરેક નાગરિકને અભિવ્યક્તિની સ્વતંત્રતા તથા શાંતિપૂર્ણ રીતે પોતાના પ્રશ્નો રજૂ કરવાનો
અધિકાર આપે છે. પરીક્ષાઓ, ભરતી પ્રક્રિયા અને અન્ય શૈક્ષણિક પ્રશ્નોને
લઈને વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ અને લોકશાહી ઢબે વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા,
ત્યારે તેમના પર બળપ્રયોગ કરવામાં આવ્યો હોવાના અહેવાલો ચિંતાજનક છે
અને આવી ઘટના લોકશાહી મૂલ્યો તથા બંધારણીય અધિકારો અંગે ગંભીર પ્રશ્નો ઊભા કરે છે. વિદ્યાર્થીઓ દેશનું ભવિષ્ય છે અને તેમની વાજબી રજૂઆતોને
સંવાદ દ્વારા ઉકેલવી જોઈએ. બળપ્રયોગના બદલે ચર્ચા અને પારદર્શિતા દ્વારા પ્રશ્નોનું
નિરાકરણ લાવવું લોકશાહીની ભાવના સાથે સુસંગત છે. જંતરમંતર ખાતે થયેલા લાઠીચાર્જની ઉચ્ચસ્તરીય,
નિષ્પક્ષ અને સમયબદ્ધ તપાસ કરવા, જવાબદાર અધિકારીઓ
સામે કાયદેસરની કાર્યવાહી કરવા, ઘાયલ વિદ્યાર્થીઓને નિ:શુલ્ક
સારવાર અને જરૂરી સહાય પૂરી પાડવા તેમજ વિદ્યાર્થીઓની રજૂઆત પર સંબંધિત વિભાગો દ્વારા
સમયસર નિર્ણય લેવા માંગ કરવામાં આવી છે. સાથે જ ભવિષ્યમાં વિદ્યાર્થીઓ અને અન્ય નાગરિકોના
શાંતિપૂર્ણ લોકશાહી વિરોધ દરમિયાન તેમના બંધારણીય અધિકારોનું સંપૂર્ણ રક્ષણ થાય તે
માટે યોગ્ય માર્ગદર્શિકા અને વ્યવસ્થા અમલમાં મૂકવાની પણ માંગ કરવામાં આવી છે. આ પ્રસંગે
ડો. આંબેડકર યુવા ગ્રુપના સંચાલક અશોકભાઈ રાઠોડ, તાલુકા પ્રમુખ
સુંદરભાઈ ચૌહાણ, દિલીપભાઈ ગોહિલ, ભરતભાઈ
ગોહિલ, કાંતિભાઈ ગોહિલ, હરેશભાઈ ઠાકોર,
કે.ડી. વાઘેલા, સંજયભાઈ પરમાર, જયેશભાઇ પરમાર, અમરતભાઈ કારિયા, મહેન્દ્ર મુછડિયા સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, યુવાનો
અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.