ગાંધીધામ, તા. 23 : શહેરમાં ચાર દાયકા સુધી બાળરોગ
નિષ્ણાત તરીકે સેવા આપનારા તબીબે માતાનાં દૂધ વિષય ઉપર પુસ્તક લખ્યું હતું. આ પુસ્તકનું
ગાંધીધામ ખાતે વિમોચન કરાયું હતું. ડો. જગદીશ દુબલ દ્વારા લિખિત બ્રેસ્ટ મિલ્ક વિશેષ
પુસ્તકનું વિમોચન વિધાનસભાના પૂર્વ અધ્યક્ષા
ડો. નીમાબેન આચાર્ય અને ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીના હસ્તે કરાયું હતું. વિધાનસભાના પૂર્વ અધ્યક્ષે આ પુસ્તક
મેડિકલ ક્ષેત્રના લોકો માટે ઉપાયો સાબિત થશે તેવું કહી પુસ્તક લખવા માટે તેમણે કરેલાં
સંશોધન અને મહેનતને બિરદાવી હતી. તેમણે વર્ષો
અગાઉ કોઈ પણ પ્રકારની સુવિધા વિના 600 કે 800 ગ્રામ વજનનાં
બાળકોને સારવાર આપી હતી અને તમામ બાળકો સ્વસ્થ થયાં હતાં. તેમણે નવા તબીબોને એક બીજાથી
ચર્ચા કરીને દર્દીઓની સારવાર કરવા હાકલ કરી હતી. ગાંધીધામના ધારાસભ્યે આ પુસ્તકથી નવા તબીબોને માર્ગદર્શન મળશે
તેવું કહી સમાજ નિર્માણ માટેનું સારું કાર્ય હોવાનું જણાવ્યું હતું. પુસ્તક વિશેની માહિતી આપતા લેખક
ડો. દુબલે કહ્યું હતું કે, 18 મહિનામાં
આ પુસ્તક તૈયાર કરાયું છે. સ્તન દૂધ વિશેના તમામ સવાલોનો જવાબ આ પુસ્તકમાં
છે. માનવ સ્તન દૂધના તમામ મહત્ત્વપૂર્ણ પાસાઓનું વિગતવાર વર્ણન છે. આજે સોશિયલ મીડિયાના
યુગમાં ખોટી માહિતી સતત ફેલાવવામાં આવી રહી
છે. તેમાંના મોટા ભાગના ભય ફેલાવનારા અથવા ફક્ત ઓર્ગેનિક અથવા મૌલિક સ્વાસ્થ્ય સામગ્રી
હોવાનો દાવો કરતાં નિવેદનો છે. ખરી હકીકત બહાર લાવવા માટે પુસ્તક લખ્યું હોવાનું અને બીજું
પુસ્તક અગામી સમયમાં આવશે, જે નોન મેડિકલ લોકો પણ વાંચી શકશે. આ પ્રસંગે
મુખ્ય મહેમાન તરીકે ડો. નીમાબેન આચાર્ય,
માલતીબેન મહેશ્વરી,
આઈએમએ ગુજરાતના ઉપપ્રમુખ બળવંત ગઢવી, ગાંધીધામ
આઈએમએના પ્રમુખ ડો. મોહનીસ ખત્રી, આઈએમએ ગાંધીધામના સિનિયર એક્ઝિ. ડો. રાજેન્દ્ર શાહ , આઈએમએના સેક્રેટરી
ડો. અભિષેક નાયક, ડો. નરેશ જોષી, ડો. અશોક ઠક્કર, ડો. રાજેશ માહેશ્વરી સહિત આઈએમએ ગાંધીધામના હોદ્દેદારો, વરિષ્ઠ તબીબો ઉપસ્થિત રહ્યા હતા.