• શુક્રવાર, 24 જુલાઈ, 2026

ગાંધીધામ મહાનગરપાલિકાના પ્રસ્તાવિત આજીવન વાહનવેરા સામે વિરોધનો સૂર

ગાંધીધામ, તા. 23 : અહીંની મહાનગરપાલિકા દ્વારા પ્રસ્તાવિત આજીવન વાહનવેરા  સામે ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ, કચ્છ ઓટોમોબાઈલ ઈન્ડસ્ટ્રીઝ, પરિવહન ઉદ્યોગ સંગઠન, બાર એસોસીએશન  સહિત 40થી વધુ સંગઠનોએ વિરોધ નોંધાવ્યો હતો. ચેમ્બર ભવન ખાતે યોજાયેલી બેઠકમાં જુદા-જુદા સંગઠનના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે, વાહનમાલિકો પહેલાંથી રોડ ટેકસ, નોંધણી ફી, જી.એસ.ટી., ગ્રીન ટેક્સ, ટોલ ટેક્સ સહિતના વિવિધ પ્રકારના કરવેરા  ચૂકવી રહ્યા છે.  આવા સંજોગોમાં  સ્થાનિક વેરો લાદવો એ સામાન્ય નાગરિકો, વેપારીઓ અને ઉદ્યોગકારોને  આર્થિક બોજ પડશે. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, રાજ્યની 17 મહાનગરપાલિકા પૈકી ચાર  જગ્યાએ આ પ્રકારનો વેરો લાદવામાં આવ્યો છે. ત્યારે ગાંધીધામમાં આ પ્રકારનો વેરો લાદવાનો પ્રયાસ થઈ રહ્યો છે. જ્યારે શહેર હજુ વિકાસના પ્રાથમિક તબક્કામાં છે. અનેક વિસ્તારોમાં રોડ-રસ્તા, સફાઈ, ગટર, ટ્રાફિક મેનેજમેન્ટ સહિતની સુવિધાઓ સંપૂર્ણપણે સુવ્યસ્થિત નથી. ત્યારે  નાગરિકો ઉપર વધારાનો વેરો લાદવો અયોગ્ય છે. બેઠકના અધ્યક્ષ  ચેમ્બર પ્રમુખ તેજાભાઈ કાનગડે  કહ્યું હતું કેઅહીંના વેપાર-ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાની જરૂર છે. વધારાના વેરા દ્વારા બોજ વધારવાની નહીં. નવો વેરો લાદવા પહેલાં જાહેર ચર્ચા, પારદર્શિતા, હિતધારકોની સહમતિ અનિવાર્ય હોવી જોઈએ.  ચેમ્બર ઉપપ્રમુખ દીપક  પારેખે  જણાવ્યું હતું કે, પોર્ટ આધારિત ગાંધીધામ સંકુલમાં  મોટી સંખ્યામાં ટ્રક, ટેન્કર, કન્ટેનર, કોર્મશિયલ અને ખાનગી વાહનોની અવરજવર તથા ખરીદ-વેચાણ થાય છે. આવા સમયમાં નવા વાહનવેરાથી વેપાર, ઉદ્યોગ, લોજિસ્ટીક્સ  અને પરિવહન ક્ષેત્રને સ્પર્ધાત્મકતા ઉપર સીધી અસર  થવાની વકી છે. ચેમ્બર મંત્રી મહેશ તીર્થાણીએ ઉમેર્યું હતું કે, વાહનવેરો જેવા મહત્ત્વપૂર્ણ મુદ્દે વેપારી સંસ્થા, પરિવહન સંગઠન, ઉદ્યોગ સંસ્થા, સમાજ સાથે પૂરતો સંવાદ  થયો હોય  તેવું જણાતું નથી. કાયદાકીય આધાર, આવકના ઉપયોગ,વેરાની જરૂરિયાત અંગે સ્પષ્ટતા વિના આ પ્રકારનો નિર્ણય લેવામાં આવે તે જનહિત અને ઉદ્યોગહિત બંનેની ભાવનાને અનુરૂપ ગણાય નહીં. બેઠકમાં  કચ્છ ઓટો મોબાઈલ ઈન્ડસ્ટ્રીઝના રાજુભા રામચંદાણી, વિશાલસિંહ જાડેજા, ગાંધીધામ વકીલ મંડળના પ્રમુખ મયૂરભાઈ ખાંડેકા, સમીર રાઠોડ, હરપાલસિંહ ઝાલા, ચેમ્બરના ખજાનચી કૈલેશ ગોર, કારોબારી સભ્ય હરીશ માહેશ્વરી, અનિમેષ મોદી, અંકિત સંઘવી, ધર્મેન્દ્રસિંહ વાઘેલા, રાજેશ ગઢવી, સિદ્ધાંત કેશવાણી સહિતના ઉપસ્થિત રહ્યા હતા.  કચ્છ ઓટોમોબાઈલ ઉદ્યોગના પ્રતિનિધિઓએ વાહનવેરાના બોજથી  વાહનોની ખરીદી અને વેચાણ ઉપર અસર પડશે. તેમજ  પરિવહન ઉદ્યોગના પ્રતિનિધિઓએ કહ્યું હતું કે, વધતા ઓપરેશનલ ખર્ચ વચ્ચે નવો વેરો પરિવહન વ્યવસ્થા વધુ જટિલ બનાવશે. જેનો સીધો પ્રભાવ માલભાડા, વેપાર ખર્ચ ઉપર પડશે. ઉપસ્થિત ટ્રક, ટેન્કર, કન્ટેનર અને ડમ્પર સંચાલકો તેમજ જુદા-જુદા પરિવહન સંગઠનો અને ગાંધીધામ ચેમ્બર સાથે જોડાયેલા 40થી વધુ સંગઠનોએ આ અંગે વિરોધ નોંધાવીને  વાહનવેરા મુદ્દે પુન:વિચાર  કરવા અપીલ કરાઈ હતી.     

Panchang

dd