ભુજ, તા. 8 : શહેરનો હૃદયસ્થ હમીરસર તળાવ
છેલ્લા બે દિવસથી વરસતા વરસાદને પગલે આજે સાંજે 6:16 મિનિટે ઓગની જતાં ભુજવાસીઓ આનંદિત થઈ ઊઠયા હતા. આવતી કાલે પરંપરાગત
રીતે શહેરના પ્રથમ નાગરિક એવા નગરપાલિકા પ્રમુખના હસ્તે તા. 9/9ના સવારે 10:30 વાગ્યે વાજતે-ગાજતે તળાવના
વધામણા કરાશે. વરસાદ પડે એટલે ભુજવાસીઓની સાથોસાથ કચ્છ-બૃહદ કચ્છવાસીઓની નજર હમીરસર
તળાવના આરામાં આવેલા હાથીના પગ, પગથિયા
અને ઓગનની પાળ પર મંડાયેલી રહેતી હોય છે. છેલ્લા બે દિવસથી સમગ્ર કચ્છની સાથે ભુજ અને
ઉપલાવાસ પર મેઘરાજાએ હેત વરસાવતાં હમીરસર તળાવ આજે સાંજે ઓગની જતાં શહેરીજનોએ એકમેકને
વધામણા પાઠવ્યા હતા. હમીરસર ઓગનવાના સાથે સોશિયલ મિડિયા પણ અભિનંદનના મેસેજથી ઓગની
ગયું હતું. હમીરસર ઓગનવાની સાથે આવતી કાલે જાહેર રજા પર પણ લોકોની મીટ મંડાઈ હતી. પરંપરાગત
રીતે આવતી કાલે સુધરાઈ અધ્યક્ષા રશ્મિબેન સોલંકી હસ્તે સાથી શાસકોની તેમજ રાજકીય-સામાજિક
અગ્રણી તથા શહેરીજનોની ઉપસ્થિતિમાં વધાવાશે. અત્રે, ઉલ્લેખનીય
છે કે, હાલના શાસકોની અઢી-અઢી વર્ષના સમયગાળાના બન્ને પ્રમુખોને
બે-બે વાર હમીરસર વધાવવાનો મોકો મળ્યો હતો. જે અત્યાર સુધીમાં પ્રથમવાર બન્યું છે.
હમીરસર તળાવ ઓગનતાં જ ભુજવાસીઓ મોટી સંખ્યામાં મોટા બંધ તેમજ હમીરસર તળાવ નિહાળવા ઊમટી
પડયા હતા. સાંજે વરસાદનું જોર ઘટતાં સંખ્યામાં
પણ વધારો નોંધાવા સાથે મહાદેવ નાકો, મોટા બંધ વિસ્તારમાં મેળા
જેવો માહોલ ખડો થયો હતો.