મુંદરા, તા. 8 : તાલુકામાં રવિવારે પહેલી રાત્રિથી
જ શરૂ થયેલો વરસાદ સતત ધીમી ધારે રાતભર જારી રહ્યો હતો. રાત્રે કુલ નવ મિ.મી. વરસાદ
બાદ સવારે છથી બપોરે બે વાગ્યા સુધીમાં વધુ એક ઇંચ અને બપોરે બે વાગ્યાથી રાત્રે આઠ
વાગ્યા સુધીમાં 38 મિ.મી. વરસાદ
થયો હતો. આ સાથે મોસમનો કુલ વરસાદ 620 મિ.મી. નોંધાયો હતો. તાલુકાનો
કચ્છમાં સૌથી પહેલાં છલકાઈ ચૂકેલો કારાઘોઘા ડેમ ફરી 17.5 સે.મી. ઉપરથી ઓવરફ્લો થઈ રહ્યો
હતો., જ્યારે વાંકી-પત્રી નજીકનો ઐતિહાસિક રાજાશાહી
સમયનો લોકજીભે `ખાપરા' તરીકે જાણીતો ખેંગારસાગર ડેમ સાંજે છલકાઈ ઊઠ્યો
હતો. એ સાથે જ સમગ્ર તાલુકાના લોકોનાં હૈયાં પણ હર્ષથી છલકાયાં હતાં. મેઘરાજાની છેલ્લા
થોડા વર્ષોથી સતત કૃપાને કારણે આ ડેમ છેલ્લા
પાંચ વર્ષમાં ચોથી વખત છલકાયો છે. આ પહેલાં,
સવારે કારાઘોઘા ડેમ જોશભેર છલકાતાં બરાયા નજીકની પાપડી પરથી ભારે પ્રમાણમાં
પાણી વહેતાં થોડા સમય માટે વાહનવ્યવહારને અસર થઈ હતી. બરાયા પુલનું કામ ચાલુ હોવાને
કારણે એકમાત્ર ડાયવર્ઝન એવા બરાયા પાપડીનો માર્ગ મહત્ત્વનો છે. તાલુકા વિસ્તારના નાની
સિંચાઈ અધિકારીઓ શ્રી ચંચલ અને શ્રી પારગીનો સંપર્ક કરતાં તેમણે સમર્થન આપી જણાવ્યું
હતું કે, ખેંગારસાગર ડેમ સાંજે ઓગની ગયો છે. આસપાસના નીચાણવાસનાં
ગામોને એલર્ટ આપી દેવાયું છે. મધ્યમ કક્ષાનો કારાઘોઘા ડેમ ફરી ઓવરફ્લો હોવાથી તેની નજીકના ડૂબ વિસ્તારનાં ગામો બરાયા,
સમાઘોઘા, બોરાણા અને ધ્રબના લોકોને સાવચેત રહેવા
અપીલ કરાયેલી છે. અગાઉ ફાચરિયા ડેમ ઓગની ચૂક્યો છે, જ્યારે ફોટ ડેમને ઓગનવાને હજુ પાંચ ફૂટ બાકી છે. બીજીબાજુ છસરા, ભદ્રેશ્વર,
વવાર પણ વરસાદનું જોર લંબાય તો છલકાઈ જાય એવી સ્થિતિ છે. બીજી તરફ, પરિસ્થિતિને ધ્યાને
રાખીને નગરપાલિકા, મામલતદાર કચેરી, પોલીસ
સહિતના તંત્ર દ્વારા મુંદરા પાસે નદીતટ વિસ્તારના ધંધાર્થીઓ, રહેવાસીઓ, કાચાં-પાકાં દબાણોને આ વિસ્તાર ખાલી કરી સલામત
સ્થળે ખસેડવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. નોંધનીય છે કે, ખેંગારસાગર ડેમ ઓગન્યા બાદ આ નદીઓમાંથી પાણી જોશભેર પસાર થશે. નગરપાલિકાના
ચીફ ઓફિસર દ્વારા નદીના પટ વિસ્તારમાં ધંધો કરનારાઓને ચેતવણી-નોટિસ પાઠવી હતી કે, ભારે વરસાદને કારણે ભૂખી
તેમજ કેવડી નદીમાં પાણીનો પ્રવાહ વધવાની સંભાવના હોઈ નદીના પટમાં અને નાકાઓની આજુબાજુ
ધંધો કરનારાઓએ હટી જવું. આ પછી લોકોને નદીતટથી હટાવવાની પણ કાર્યવાહી શરૂ થઈ હતી, જેમાં સુધરાઈ નગરઅધ્યક્ષા રચનાબેન જોશી તેમજ સમગ્ર નગરપાલિકા ટીમ અને મામલતદારની
ટીમ અને પોલીસ અધિકારીઓ વિ. જોડાયા હતા. દરમ્યાન, મુંદરા શહેરમાં
સાંઈબાબા મંદિર નજીક ભારે પાણી ભરાયાંની તેમજ ઉમિયાનગરનો એક ખાડો જોખમી બન્યાની ફરિયાદ
ઊઠી હતી. જો કે, મુંદરા - બારોઈ નગરપાલિકા દ્વારા નગરમાં વરસાદી
પાણી ન ભરાય એ માટે આગોતરી ટીમો તૈનાત રખાઈ હતી. ગત વરસાદનાં પ્રમાણમાં પાણી ઓછા જ ભરાયાં હતાં. નગરઅધ્યક્ષા રચનાબેન જોષી
દ્વારા લોકોને ઘરમાં જ રહેવા અપીલ કરાઈ હતી
અને હેલ્પલાઇન નંબરો જાહેર કરાયા હતા. પત્રીથી હરેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે,
પત્રી અને આસપાસના વિસ્તારમાં સમગ્ર રાત્રિ દરમિયાન ધીમી ધારે વરસાદ
ચાલુ રહ્યો હતો અને દિવસભર દોઢથી બે ઈંચ પાણી પડ્યું હતું. બપોરે ખેંગારસાગર ડેમની
સપાટી 22 ફૂટે પહોંચી, ત્યારે નિશ્ચિત બન્યું હતું કે સાંજ સુધી ઓગની
જશે અને એવું જ બન્યું. સમાઘોઘાથી મહાવીરાસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, સમાઘોઘાની સુરઈ નદીમાં જોશભેર પાણીની આવક છે. હવે આ નદી દિવાળી સુધી વહેશે
તથા ચેકડેમો હોવાથી પાણીનાં સ્તર 100 ફૂટે આવી જશે એવો અંદાજ છે. વધારે વરસાદથી કપાસના ફૂલ પડી જવાથી
વ્યાપક નુકસાનની સંભાવના છે. બાકી, જુવાર-એરંડાને ફાયદો થશે. પશુપાલકોને ચારાની સમસ્યાનો હાલ ઉકેલ આવી ગયો છે.
સરપંચ હરેન્દ્રાસિંહ જાડેજાએ કહ્યું હતું કે, સોમવાર સવારે દોઢ
ઈચ સાથે મોસમનો કુલ વરસાદ 29 ઇંચ થયો છે. તાલુકાના બાબિયા ગામે અઢી ઈંચ વરસાદ થયાનું યુવરાજાસિંહ
વાઘેલાએ જણાવ્યું હતું. ગુંદાલાથી કિસાન અગ્રણી અજય ઠક્કરે જણાવ્યું હતું કે, ગુંદાલા ગામમાં રવિવાર રાત્રેથી સોમવાર સાંજ
સુધીમાં 3 ઈંચથી વધુ વરસાદ થઈ ચૂક્યો છે. ભારે પવનના કારણે કપાસ, એરંડાના
ઉભા પાકને નુકસાન થયું છે.