• શુક્રવાર, 05 સપ્ટેમ્બર, 2025

હુમલામાં ઘાયલ સાક્ષીએ મોડી રાત્રે દમ તોડયો...

ભુજ, તા. 29 : શહેરના એરપોર્ટ રિંગરોડ પર આવેલી સંસ્કાર કોલેજમાં બીસીએના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી ગાંધીધામની સાક્ષી જેઠાલાલ ખાનિયા (ઉ.વ. 19) પર તેના જ પડોશી યુવક મોહિત મૂળજીભાઈ સિદ્ધપરાએ ગુરુવારે સાંજના અરસામાં છરી વડે હુમલો કર્યો હતો અને સારવાર હેઠળ રહેલી સાક્ષીએ મોડી રાત્રે આંખો મીંચી લેતાં આ બનાવ હત્યામાં પલટાયો હતો. કચ્છ સહિત રાજ્યભરમાં ચકચારી બનેલા આ બનાવ અંગે ભુજ શહેર એ ડિવિઝન પોલીસ મથકે આરોપી મોહિત અને જયેશ જયંતીજી ઠાકોર વિરુદ્ધ હત્યાની કલમો તળે ગુનો દાખલ કર્યો હતો અને શુક્રવારે ચકચારી આ બનાવનું ઘટનાસ્થળે રિકન્સ્ટ્રક્શન કરાયું હતું. આશાસ્પદ યુવતીની હત્યાના બનાવથી પરિવારમાં દુ:ખની સાથે રોષ ફેલાયો છે, તો કચ્છી ભાનુશાલી મહાજન અને વિદ્યાર્થી વર્ગમાં ભારે આક્રોશ વ્યાપ્યો છે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આરોપી વિરુદ્ધ કડક કાર્યવાહી થાય અને ભવિષ્યમાં આવી કોઈ ઘટનાઓ ન બને તે માટે શાળા-કોલેજોમાં સુરક્ષા અંગેના યોગ્ય પગલાં લેવાય તે બાબતે કચ્છ કલેક્ટરને આવેદન પાઠવી રજૂઆત કરાઈ હતી. બનાવ અંગે નાયબ પોલીસ અધીક્ષક રવિરાજસિંહ જાડેજાએ પત્રકારોને માહિતી આપતાં જણાવ્યું હતું કે, આરોપી મોહિત અને હતભાગી યુવતી સાક્ષી વચ્ચે પ્રેમ પ્રકરણને લઈ ચાલતા ખટરાગના કારણે યુવતીએ મોહિતના નંબર બ્લોક કરી નાખ્યા હતા. પોતાની સાથે મિત્રતા ચાલુ રાખવાનું દબાણ કરી રહેલો મોહિત યુવતીની હત્યાના ઈરાદે તેના મિત્ર જયેશ સાથે ગુરુવારે ભુજ આવ્યો હતો અને ભાનુશાલી હોસ્ટેલમાં રહી ભણતી સાક્ષી જ્યારે કોલેજ પૂર્ણ કર્યા બાદ પરત હોસ્ટેલ જઈ રહી હતી ત્યારે ત્યાં આવ્યો હતો.  યુવતીને અભ્યાસ છોડી ગાંધીધામ પરત આવી જવા અને પોતાની સાથે મિત્રતા રાખવા કહ્યું હતું, જે અંગે તે ન માનતાં ઉશ્કેરાયેલા મોહિતે ભેઠમાં રહેલી છરી સાક્ષીના ગળામાં મારી હતી, તે વચ્ચે જયેશ પણ ઘાયલ થયો હતો. કૃત્ય આચર્યા બાદ મોહિત ત્યાંથી નાસી ગયો હતો, જેને પોલીસે ઝડપી પાડયો હતો. ગંભીર રીતે ઘવાયેલી સાક્ષી અને જયેશને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં હતભાગી યુવતીની શત્રક્રિયા થઈ હતી, પરંતુ ગંભીર રીતે ઘાયલ સાક્ષીએ મોડી રાત્રે દમ તોડયો હતો. એ-ડિવિઝન પોલીસે આ બનાવમાં કૃત્યને અંજામ આપનારા મોહિત અને તેની સાથે આવેલા જયેશ વિરુદ્ધ હત્યાની કલમો તળે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હોવાનું શ્રી જાડેજાએ ઉમેર્યં હતું. દરમિયાન, જાણવા મળતી વિગતો મુજબ, સાક્ષીની હત્યાના બનાવના પગલે વિદ્યાર્થીઓ-વાલીઓમાં ભારે રોષ વ્યાપ્યો છે અને શનિવારે સવારે બહોળી સંખ્યામાં કલેક્ટરને આવેદન પાઠવવા જવાના હોવાનું પણ માલૂમ પડયું હતું, તો આ હિચકારા બનાવના વિરોધમાં શનિવારે જિલ્લાભરની શાળા-કોલેજોએ સ્વેચ્છાએ બંધ પાળ્યો હોવાની વિગતો પણ સાંપડી હતી. 

Panchang

dd