ભુજ, તા. 23 : કચ્છમાં જિલ્લા કલેક્ટર આનંદ
પટેલનાં અધ્યક્ષસ્થાને આગામી નેશનલ સ્પોર્ટસ-ડે કાર્યક્રમની ઉજવણીને લઈને બેઠક યોજાઈ
હતી. રમતગમત, યુવા અને સાંસ્કૃતિક વિભાગ
દ્વારા આ ઉજવણી અંતર્ગત તા. 29થી 31 ઓગસ્ટ દરમિયાન
વિવિધ પ્રવૃત્તિઓ કરાશે. રાજ્ય સરકાર
દ્વારા દર વર્ષે તા. 29મી ઓગસ્ટને
મહાન હોકી ખેલાડી મેજર ધ્યાનચંદની જન્મજયંતીના સન્માનમાં આ દિવસને નેશનલ સ્પોર્ટસ-ડે
તરીકે મનાવવવામાં આવે છે. આ વર્ષે `એક ઘંટા ખેલ કે મેદાન મે !'
થીમ પર સમગ્ર રાજ્ય સહિત કચ્છમાં ત્રણ દિવસ સુધી વિવિધ સ્પોર્ટસ ઈવેન્ટ
યોજાશે. તા. 29મી ઓગસ્ટના
દિવસે કચ્છ જિલ્લામાં આવેલી તમામ શાળાઓ, કોલેજ, યુનિવર્સિટી અને અન્ય સંસ્થાઓમાં `િફટ ઈન્ડિયા' શપથ સાથે મેજર ધ્યાનચંદને શ્રદ્ધાંજલિ આપવામાં
આવશે. વિવિધ શાળા, કોલેજ, યુનિવર્સિટી અને
અન્ય સંસ્થાઓમાં `એક ઘંટા ખેલ
કે મેદાન મે !' થીમ પર ડિબેટ્સ, સેમિનાર,
ફિટનેસ અંગે વાર્તાલાપ જેવી પ્રવૃત્તિઓ યોજાશે. આ કાર્યક્રમમાં ઓલિમ્પિક
અને પેરાઓલિમ્પિક મૂલ્યોનું એકીકરણ કરવામાં આવશે. તા. 30મી ઓગસ્ટે પોલીસ હેડક્વાર્ટર ખાતે વિવિધ
સ્પર્ધા યોજાશે, જેમાં પોલીસ વિભાગની ટીમ
સાથે અન્ય સરકારી વિભાગો અને સ્કૂલોની ટીમ ભાગ લેશે. ત્રીજા દિવસ તા. 31મી ઓગસ્ટના ગાંધીધામ ખાતે મહાનગરપાલિકા
કક્ષાએ સાઇકલ ઓન સન્ડે યોજાશે. ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા આ ઈવેન્ટમાં નાગરિકોને
સહભાગી બનાવવામાં આવશે. આ ઉપરાંત, કચ્છની
તમામ નગરપાલિકાઓમાં વોર્ડવાઈઝ રમતોનું આયોજન કરાશે. આ ત્રિદિવસીય ઉજવણીમાં ગ્રામ્ય
કક્ષાએથી લઈને જિલ્લા કક્ષા સુધીના રમતગમતના વિવિધ કાર્યક્રમો યોજાશે, તેવું જણાવાયું હતું. કચ્છ કલેક્ટરએ `નેશનલ સ્પોર્ટસ-ડે' ત્રિદિવસીય ઉજવણીમાં નાગરિકોને સહભાગી બનાવવા
તેમજ ગ્રામ્ય કક્ષાએથી લઈને જિલ્લા કક્ષાની સ્પર્ધાનું સુચારું આયોજન કરવા સૂચન કર્યું
હતું. તેમણે કબડ્ડી, રસ્સાખેંચ, વોલીબોલ,
હોકી જેવી રમતોને સમાવિષ્ટ કરીને આયોજન કરવા અંગે માર્ગદર્શન આપ્યું
હતું.