બેંગ્લોર, તા. 9 : ભારતીય વાયુદળના વડા એર ચીફ
માર્શલ એ.પી. સિંહે શનિવારે ઓપરેશન સિંદૂર પર દુશ્મન દેશની પોલ ખોલતા મહત્ત્વના ઘટસ્ફોટ
કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, અમે પાકનાં
યુદ્ધવિમાન તોડી પાડયાં હતાં. ભારતીય વાયુદળ વડાના ખુલાસાથી બોખલાયેલાં પાકિસ્તાને
પોતાને મળેલી પછડાટ પર પડદો પાડવાનો પ્રયાસ કર્યો હતો. આતંકવાદને પોષતાં પાક તરફથી
સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે શનિવારે જ પોકળ દાવો કરતાં કહ્યું હતું કે, ઓપરેશન સિંદૂર દરમ્યાન પાકનાં કોઈ પણ વિમાનને તોડાયું કે નષ્ટ કરાયું નહોતું. સિંહે કહ્યું હતું કે, ભારતનાં
વાયુદળે બહાવલપુર સ્થિત જૈશ-એ-મોહમ્મદ વડામથક અને મુરિદકેમાં લશ્કર-એ-તોયબા મુખ્ય મથકને
પૂર્ણપણે તબાહ કરી નાખ્યાં હતાં. ભારતીય વાયુદળે ઓપરેશન સિંદૂર દરમ્યાન પાકિસ્તાનના
પાંચ યુદ્ધવિમાન તોડી પાડયાં હતાં, તો જાસૂસી વિમાન પણ 300 કિ.મી. દૂરથી જ અમે તોડી પાડયું
હતું તેવું તેમણે ઉમેર્યું હતું. વાયુદળ વડાએ જણાવ્યું હતું કે, પાકિસ્તાનનાં બહાવલપુરમાં હુમલાથી પહેલાં અને
પછીની તસવીરો સૌની સામે છે. આ તસવીરો માત્ર ઉપગ્રહ પરથી નથી લેવાઇ, પરંતુ સ્થાનિક મીડિયાએ પણ તબાહ થયેલી ઇમારતોની અંદરની તસવીરો બતાવી હતી,
તેવું એર ચીફ માર્શલે જણાવ્યું હતું. રાજકીય ઇચ્છાશક્તિ ઓપરેશન સિંદૂરની
સફળતાનું એક મોટું કારણ છે. સેનાને ખુલ્લી છૂટ અપાઇ હતી. વાયુદળને યોજના ઘડવાની અને
અમલી કરવાની પૂરી આઝાદી હતી, તેવું એ.પી. સિંહે કહ્યું હતું.
બેંગ્લોરમાં એચએએલ મેનેજમેન્ટ એકેડમી ઓડિટોરિટમમાં એલ.એમ. કાત્રે મેમોરિયલ વ્યાખ્યાનની
16મી આવૃત્તિને સંબોધતાં વાયુદળ વડા સિંહે
કહ્યું હતું કે, ઓપરેશન સિંદૂર દરમ્યાન
અમારી હવાઇ સુરક્ષા પ્રણાલીએ શાનદાર કામ કર્યું. પાકિસ્તાન ભારતીય વાયુદળની હવાઇ સુરક્ષા
પ્રણાલીને ભેદી શક્યું નહોતું. તાજેતરમાં ખરીદાયેલી એસ-400 મિસાઇલ પ્રણાલીની ભૂમિકા ચાવીરૂપ
રહી, તેવું તેમણે કહ્યું હતું. ભારતીય વાયુદળે ઘાતક
પ્રહાર કર્યા. અમે 80થી 90 કલાકમાં યુદ્ધમાં એટલી હદે
નુકસાન કરી શક્યા કે, યુદ્ધ હવે
જારી રહેશે, તો મોટી કિંમત ચૂકવવી પડશે તેવું સમજી જઇને પાકિસ્તાને
પીછેહઠ કરી હતી, તેવું વાયુદળ વડાએ જણાવ્યું હતું. ઓપરેશન સિંદૂરમાં
ત્રણેય સેના વચ્ચે અદ્ભુત સંકલન હોવાથી મોટી સફળતા મળી, તેવું
તેમણે જણાવ્યું હતું.