ભુજ, તા. 12 : લાંબા સમયથી જેલવાસ ભોગવી રહેલા મુંદરા કસ્ટોડિયલ ડેથના મુખ્ય આરોપીઓ પૈકીના અને
સસ્પેન્ડેડ કર્મચારીઓ એવા શક્તિસિંહ યોગેન્દ્રસિંહ ગોહિલ અને જયદેવસિંહ અજિતસિંહ ઝાલાએ
જેલમાં કર્મચારીઓ સાથે મારામારી સાથે ગાળાગાળી કરી ફરજમાં રૂકાવટ કરતાં તેમજ અન્ય જેલના
કેદી એવા અશોક લીલાધર સનદ પાસેથી મોબાઇલ મળી આવતાં ફરિયાદ દાખલ થઇ છે. આ અંગે બી-ડિવિઝન પોલીસ મથકે પાલારા ખાસ
જેલના ઇન્ચાર્જ જેલર સંજયભાઇ મોહનભાઇ બારિયાએ નોંધાવેલી ફરિયાદ મુજબ ગઇકાલે સવારે 9.30 વાગ્યે કાચા કામના જેલના કેદીઓની
અંગઝડતી દરમ્યાન અશોક સનદ પાસેથી તેની પેન્ટમાં છુપાવેલો મોબાઇલ સીમકાર્ડ તથા ઇયર ફોન
મળી આવ્યા હતા. આ દરમ્યાન કાચા કામના કેદી શક્તિસિંહ યોગેન્દ્રસિંહ ગોહિલ અને જયદેવસિંહ
અજિતસિંહ ઝાલાએ જેલના કર્મચારીઓ સાથે માથાકૂટ
કરી ઝપાઝપી કરી ગાળાગાળી કરી ફરજમાં રૂકાવટ કર્યા અંગેની ફરિયાદ નોંધાવી છે. પોલીસે
ત્રણે વિરુદ્ધ જુદી-જુદી કલમો તળે ગુનો દાખલ કરી તજવીજ આદરી છે. અત્રે ઉલ્લેખનીય છે
કે, આરોપી શક્તિસિંહ અને જયદેવસિંહ ચર્ચાસ્પદ મુંદરા
કસ્ટોડિયલ ડેથના મુખ્ય આરોપીઓ પૈકીના અને સસ્પેન્ડેડ કર્મચારીઓ છે.