• શુક્રવાર, 05 સપ્ટેમ્બર, 2025

જૂની ધાણેટીનાં તળાવમાં યુવક ગરક

ભુજ/ગાંધીધામ, તા. 1 : ભુજ તાલુકાના જૂની ધાણેટીનાં તળાવમાં ગઈકાલે નાહવા પડેલો ગામનો 19 વર્ષીય યુવક દેવા ઉર્ફે દેવરાજભાઈ ભાવેશભાઈ ડાભી (લુહાર) પાણીમાં ડૂબી જતાં મૃત્યુ પામ્યો હતો. દરમ્યાન આજે અબડાસા તાલુકાના લૈયારી ગામે 23 વર્ષીય યુવતી નૈના ઉર્ફે શાંતા સિધિક કોલીએ અને ભચાઉના નાની ચીરઈની કંપનીની શ્રમિક વસાહતમાં રહેતા 31 વર્ષીય યુવાન મોન્ટુ સોનીવાલે ગળેફાંસા ખાઈ જીવ દીધા હતા. ભુજ તાલુકાના જૂની ધાણેટીમાં આવેલા મોગલ તળાવમાં ગઈકાલે બપોરે નાહવા પડેલો ગામનો યુવક દેવા ઉર્ફે દેવરાજ ડાભી (લુહાર) પાણીમાં ગરક થઈ ગયો હતો. તળાવમાંથી રાતે 9.30 વાગ્યાના અરસામાં તેની લાશ મળતાં તેને ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ લઈ અવાતાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. પદ્ધર પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. અબડાસા તાલુકાના લૈયારી ગામે રહેતી યુવતી નૈના ઉર્ફે શાંતા કોલીએ આજે ગળેફાંસો ખાઈ જીવ દીધો હતો. આજે બપોરે 1.30 વાગ્યાના અરસામાં મૃતક નૈનાના પિતાએ બંધ ખોલતાં લાકડાં-પાઈપની આડીમાં દોરી વડે ગળેફાંસો ખાધેલી હાલતમાં નૈના મળી આવી હતી. તેને નલિયાની સરકારી હોસ્પિટલમાં ખસેડાતાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. વાયોર પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તજવીજ આદરી છે. નાની ચીરઈમાં આવેલી ડોબ્લી પ્લાયવૂડ નામની કંપનીની ઓરડીમાં રહેનાર મૂળ આસામના આ યુવાને ગઈકાલે અંતિમ પગલું ભરી લીધું હતું. આ યુવાન ગઈકાલે સવારે પોતાના રૂમ ઉપર હતો, દરમ્યાન અગમ્ય કારણોસર તેણે પંખામાં દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઈ પોતાનો જીવ દીધો હતો. આ બનાવ પછવાડેનું કારણ અકળ છે, જેની આગળની વધુ તપાસ પોલીસે હાથ ધરી છે. 

Panchang

dd