ગાંધીધામ, તા. 4 : તાલુકાના શિણાય ગામ નજીકથી રૂા. 48000ની
160 પ્લેટની તસ્કરોએ ચોરી કરી હતી. અંજાર તાલુકાના નાગલપરમાં રહેનાર નીતિન ધનજી ચોટારા
નામનો યુવાન ચાવન કન્સ્ટ્રક્શન તથા કોન્ટ્રાક્ટર તરીકે કામ કરે છે. સરકારી ટેન્ડરનું
કામ કરનારા આ ફરિયાદીને શિણાયથી દેવરિયા વચ્ચે નાળાં -પુલિયા બનાવવાનું કામ મળ્યું
હતું. ગત તા. 24/7ના પુલિયાના ફાઉન્ડેશનમાં 65 જેટલી સેન્ટ્રિંગ પ્લેટ લગાવાઇ હતી.
જ્યારે બાકીની 160 પ્લેટ રોડની બાજુએ મૂકવામાં આવી હતી. ફરિયાદી તા. 31/7ના સાંજે ત્યાંથી
નીકળ્યા ત્યારે પ્લેટો ત્યાં પડી હતી, પરંતુ બીજા દિવસે સવારે આવતાં આ પ્લેટો ક્યાંય
જણાઇ નહોતી. જ્યાં પ્લેટો પડી હતી ત્યાં કોઇ મોટા વાહનના પૈડાના ચીલા પડેલા નજરે પડયા
હતા. મોટા વાહનમાં આવેલા તસ્કરોએ અહીંથી 48,000ની 160 પ્લેટની તફડંચી કરી હતી. પોલીસે
ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.