• મંગળવાર, 04 નવેમ્બર, 2025

કિડાણામાં માથાભારે શખ્સનાં દબાણો હટાવાયાં

ગાંધીધામ, તા. 1 : પૂર્વ કચ્છ પોલીસ દ્વારા અસામાજિક તત્ત્વોની યાદી બનાવી આવા તત્ત્વોનાં બિનઅધિકૃત વીજ જોડાણ કપાવી નાખી તથા દબાણો દૂર કરાયાં હતાં. આ ઝુંબેશ અંતર્ગત ગાંધીધામ બી-ડિવિઝન પોલીસે કિડાણામાં 9500 સ્ક્વેર ફૂટ જગ્યા દબાણમુક્ત કરાવી હતી. પૂર્વ કચ્છમાં પોલીસ દ્વારા બનાવેલી અસામાજિક તત્ત્વોની યાદી પૈકીના અનેકના વીજજોડાણ કપાયાં છે તેમજ અનેકનાં દબાણો પણ હટાવાયાં છે, તેમ છતાં ગાંધીધામ મહાપાલિકા હેઠળના એ-ડિવિઝન, આદિપુર, અંજારના મેઘપર-બોરીચી, કુંભારડીમાં હજુ પણ અમુક જગ્યાએ કાર્યવાહી બાકી હોવાનું જણાય છે, તેવું જાણકાર સૂત્રોએ જણાવ્યું હતું. દરમ્યાન આ ઝુંબેશને ગાંધીધામ બી-ડિવિઝન પોલીસે આગળ ધપાવી હતી અને કિડાણાના વીરા સુલેમાન નિગામણા નામના શખ્સના બિનઅધિકૃત દબાણો તોડી પડાયાં હતાં. આ શખ્સે કિડાણા સહજાનંદ સોસાયટીમાં સાર્વજનિક પ્લોટમાં 9500 સ્ક્વેર ફૂટમાં ચાર પાકી ઓરડી, પ્લોટની આસપાસ વરંડો વાળી બિનઅધિકૃત રીતે દબાણ ખડકી પોતાનું રહેઠાણ ઊભું કર્યું હતું. જે પોલીસનાં ધ્યાને આવતાં પોલીસે મહાનગરપાલિકાને જાણ કરી હતી. મ.ન.પા.એ આ શખ્સને નોટિસ પાઠવવા સહિતની કાર્યવાહી કર્યા બાદ આજે આ દબાણવાળી જગ્યાએ પોલીસ બંદોબસ્ત સાથે બુલડોઝર વગેરે સાધનો સાથે મ.ન.પા.ની ટીમ પહોંચી હતી. બુલડોઝર વગેરે સાધનો વડે આ સાર્વજનિક પ્લોટ પરનું દબાણ તોડી જગ્યા ખાલી કરાવાઈ હતી. પૂર્વ કચ્છમાં હજુ પણ અમુક શખ્સોનાં દબાણો અને વીજ જોડાણો હયાત હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. 

Panchang

dd