ગાંધીધામ, તા. 26 : અંજારમાં બોટાદના યુવાનને એક
કા ડબલ કરી આપવાની લાલચ આપી અહીં બોલાવી તેની પાસેથી 2.50 લાખ બળજબરીપૂર્વક કઢાવી લેવાના
પ્રકરણમાં પોલીસે ચીટર ગેંગના બે શખ્સને ઝડપી પાડયા હતા. બંનેને પકડી પોલીસે રિકન્સ્ટ્રક્શન
કરાવ્યું હતું. બોટાદના અશ્વિન રાજુ બાવળિયા સાથે સોશિયલ મીડિયામાં મિત્રતા કેળવી નોટના બંડલ બતાવી આરોપીઓએ એક કા ડબલ
કરી આપવાનું જણાવ્યું હતું અને ભોગ બનનારને પહેલાં અંજાર બોલાવી સાચી નોટો બતાવી ફરીથી
તેને અંજાર બોલાવાયો હતો, જ્યાં જયેશ
અને સાગર નામના શખ્સોએ વાયદા કરી બાદમાં બે શખ્સે આ યુવાન પાસેથી રૂા. અઢી લાખ બળજબરીપૂર્વક
કઢાવી લઈ તેને ધમકીઓ આપી હતી. આ બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી. જયેશનું
ખોટું નામ ધારણ કરનાર અંજારના રમજાન સાલેમામદ કકલ તથા કનૈયાબેના શબ્બીર હુસેન શાહીબશા
શેખ નામના શખ્સોને પકડી પાડયા હતા. બંનેની
પૂછપરછ દરમ્યાન સાગર નામ ધારણ કરનાર શબ્બીર ઉર્ફે પીચુ સુલ્તાનશા શેખ હોવાનું બહાર
આવ્યું હતું. પકડાયેલા શખ્સો પાસેથી 500ના દરની ચલણી નોટના આકારના કોરા કાગળના 10 બંડલ તથા 500ના દરની બે નોટ જપ્ત કરવામાં
આવી હતી. પકડાયેલા શખ્સોને શહેરમાં ફેરવીને રિકન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું હતું.
રમજાન સામે અગાઉ મુંદરા, ભુજ બી-ડિવિઝન
તથા કંડલામાં છેતરપિંડી, વિશ્વાસઘાત, ઠગાઈની
કલમો તળે ત્રણ ગુના નોંધાયેલા છે. હાથમાં ન આવેલા પીચુને પકડી પાડવા આગળની કાર્યવાહી
પોલીસે હાથ ધરી છે. આ કાર્યવાહીમાં પી.આઈ. એ.આર. ગોહિલ સાથે સ્ટાફ જોડાયો હતો.