• ગુરુવાર, 28 ઑગસ્ટ, 2025

બેન્ચ પર વ્યવસ્થિત બેસવાનું કહેતાં લાફો મરાયો

ગાંધીધામ, તા. 26 : આદિપુરની તોલાણી કોલેજમાં બેન્ચ પર વ્યવસ્થિત બેસવાનું કહેતાં ઉશ્કેરાયેલા વિદ્યાર્થીએ કોલેજના પ્રિન્સિપાલને લાફા ઝીંકી દીધા હતા. આ પ્રકરણમાં બે શખ્સનાં નામ સહિત અન્ય પાંચેક વિદ્યાર્થી વિરુદ્ધ ફરજમાં રુકાવટ સહિતની કલમો તળે ગુનો નોંધાયો હતો. આ તમામ પાંચેય આરોપીને પોલીસે પકડી પાડયા હોવાનું બહાર આવ્યું હતું. આદિપુરની તોલાણી કોલેજ ઓફ આર્ટસ એન્ડ સાયન્સના પ્રિન્સિપાલ સુશીલ ઘનશ્યામ ધર્માણી ગઇકાલે બપોરે બે વાગ્યાના અરસામાં કેમ્પસની પાર્કિંગવાળી જગ્યાએ ગયા હતા, જ્યાં એસવાય-બી.એ.નો વિદ્યાર્થી રાજવીરસિંહ મોહનસિંહ ચાવડા (રહે. રાપર ખોખરા) તથા અર્વરાજસિંહ જાડેજા (રહે. ખેડોઇ) અને અન્ય પાંચેક વિદ્યાર્થી કોલેજના યુનિફોર્મ વગર ત્યાં બેઠેલા જણાયા હતા. દરમ્યાન, ફરિયાદી પ્રિન્સિપાલે હજુ પાર્કિંગમાં બેઠા છો અને યુનિફોર્મ વગર અહીં બેઠા છો તેમ કહેતાં એક શખ્સે તમારા કલ્પેશ સાહેબને કહેજો કે, સખણા રહે. બાદમાં રાજવીરસિંહ ચાવડા ફરિયાદી પાસે આવી તમે મારો ઇગો હર્ટ કર્યો છે, કોલેજના ગાર્ડનમાં બેન્ચ પર બેસતા રોક્યો હતો, તમે મારી જાહેરમાં માફી માગો, હું પાછો તે જગ્યાએ બેસીશ, તમે ત્યાં આવજો અને બધાની વચ્ચે મારી માફી માગજો, હું બેન્ચમાં વ્યવસ્થિત નહીં બેસું તેમ કહ્યું હતું તથા અન્ય શખ્સોએ વગર યુનિફોર્મે જ કોલેજ આવશું, અમને કોઇ રોકી નહીં શકે તેવી ધમકીઓ આપી હતી. બાદમાં ઉશ્કેરાયેલા રાજવીરસિંહે પ્રિન્સિપાલને લાફો ઝીંકી દીધો હતો અને બહાર આવો, તમને જોઇ લેશું તથા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પ્રિન્સિપાલ ઉપર હુમલો કરી તેમની ફરજમાં રુકાવટ કરવાના આ પ્રકરણમાં પોલીસે આ તમામ શખ્સ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો અને આ તમામ સાતેય આરોપીને પકડી પાડવામાં આવ્યા હતા. આદિપુરની તોલાણી કોલેજના પ્રિન્સિપાલ સુશીલ ધર્માણી ઉપર હુમલાકાંડ અંગે પોલીસે ફરિયાદ નોંધી રાપર ખોખરાના રાજવીરસિંહ મોહનસિંહ ચાવડા, ચિત્રકૂટ-બે અંજારના કૃપાલસિંહ પરાક્રમસિંહ વાઘેલા, નાની-મોટી ખેડોઇના મયૂરસિંહ વીરેન્દ્રસિંહ વાઘેલા, પાર્થરાજસિંહ શક્તિસિંહ સોઢા, જયરાજસિંહ મુન્ના ઝાલા, આર્યરાજસિંહ ધર્મેન્દ્રસિંહ જાડેજા, સત્યરાજસિંહ નરેન્દ્રસિંહ જાડેજા નામના શખ્સોને ઝડપી પાડયા હતા. આ સાતેય આરોપીને પકડી પાડી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

Panchang

dd