અદ્વૈત અંજારિયા દ્વારા : ભુજ, તા. 26 : 2001ના વિનાશક ભૂકંપને વિસારે પાડીને
વિકાસની પાંખે સવાર થયેલા એક સમયના પછાત અને અછતગ્રસ્ત ગણાતા કચ્છ જિલ્લામાં જાણે હવે
વિકાસની ભરતી આવી છે. અનેકાનેક ઉદ્યોગો તો આવ્યા જ,
પણ વિશ્વસ્તરે તેની કિંમત જાણે અચાનક વધી ગઇ હોય તેમ ગ્રીન હાઇડ્રોજન,
રિન્યૂએબલ એનર્જી, બંદરીય ઉદ્યોગ વગેરે ક્ષેત્રે
હવે વૈશ્વિક દરજ્જાની કંપનીઓ પડમાં ઊતરી છે. આગામી દસેક વર્ષમાં તો વિકાસની રીતસર આંધી
ફૂંકાશે તેવા સંકેત જાણકારો આપી રહ્યા છે. જિલ્લાના આ જબ્બર વિકાસમાં હવે રિલાયન્સ
જૂથનું પદાર્પણ થઇ રહ્યું છે અને વિવિધ ક્ષેત્રમાં
તે કરોડોનું રોકાણ કરવા સજ્જ થયું છે. અત્યંત વિશ્વાસપાત્ર સૂત્રોમાંથી મળેલી માહિતી
પ્રમાણે કચ્છમાં (સંભવત: ખાવડા બાજુ) પુન:પ્રાપ્ય ઊર્જા ક્ષેત્રે રિલાયન્સ જૂથે અંદાજે
74 હજાર હેક્ટર જમીન માટે સૈદ્ધાંતિક
મંજૂરી મેળવી છે. આ 1.85 લાખ એકર જમીનમાં
પાંચ લાખ કરોડનું અધધધ રોકાણ કરીને આ જૂથ 100 ગિગાવોટ વીજળીનું ઉત્પાદન કરશે. અત્રે નોંધવું જરૂરી છે કે, અદાણી જૂથે ખાવડા પાસે સ્થાપેલા સોલાર પાર્કમાં
42 ગિગાવોટ વીજ ઉત્પાદનની ક્ષમતા
જાણકારો બતાવી રહ્યા છે. એ દૃષ્ટિએ કચ્છ જિલ્લા એકલામાં આજથી દસ વર્ષ બાદ 140 ગિગાવોટથી પણ વધુ વીજળીનું
ઉત્પાદન થશે. ફેડરેશન ઓફ કચ્છ ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશન (ફોકીઆ)ના
એમ.ડી. નિમિષભાઇ ફડકેએ જણાવ્યું હતું કે, ભારત દેશની વીજમાંગના 50 ટકા જેટલું ઉત્પાદન એકલો કચ્છ જિલ્લો જ કરશે. અત્યારે આ જિલ્લામાં
કુલ વીજ ઉત્પાદન 20 હજાર મેગાવોટનું
જ છે, જે સીધું 140 ગિગાવોટ થઇ જશે. ભવિષ્યમાં
ઉત્પન્ન થનારી આ અધધધ વીજળીને દેશ-વિદેશમાં પહોંચાડવા યોગ્ય આયોજન જરૂરી છે. કેન્દ્ર
અને રાજ્ય સરકારો તે દિશામાં કેવી વ્યવસ્થા ઊભી કરે છે તે જોવું રસપ્રદ રહેશે. સાથેસાથે
અનેક પ્રશ્નો પણ ઊભા થશે. વીજળીની લાઇનો પસાર કરવા જરૂરી જમીન, વળતર વગેરે સંદર્ભે એક ચોક્કસ નીતિ આવશ્યક હશે.
ઘણા ઉદ્યોગકારો આ માટે ગ્રીન કોરિડોરની પણ હિમાયત કરી રહ્યા છે. સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી
ઓથોરિટી સમક્ષ આ સંદર્ભે રજૂઆત પણ થઇ હોવાનું જાણવા મળે છે. દરમ્યાન રિલાયન્સ જૂથે
કંડલામાં ગ્રીન હાઇડ્રોજનનું ઉત્પાદન, સંગ્રહ, સ્થળાંતર અને જહાજી ક્ષેત્રને સહયોગ આપવા બંદર નજીક 2000 એકર જમીન પણ સુરક્ષિત કરી હોવાનું
સૂત્રો જણાવે છે. અત્રે નોંધવું જરૂરી છે કે, ગ્રીન હાઇડ્રોજનનો સંગ્રહ અને પરિવહન ખૂબ જોખમી તથા કઠિન છે, તેથી તેનો ઉપયોગ ઉત્પાદન થતું હોય તે વિસ્તારમાં જ મહત્તમ થાય તે જરૂરી છે.
આથી તેના આધારિત વાહનો, પબ્લિક ટ્રાન્સપોર્ટ વગેરે આયામો કચ્છમાં
જ મોટાપાયે વિકસી શકે. ઉપરાંત કંડલા કે મુંદરા બંદરે આવતાં જહાજો પૈકી વધુ જહાજો આ
ઇંધણનો ઉપયોગ કરતાં થાય તેવી વ્યવસ્થા પણ નકારી શકાય નહીં. આવું જ પુન:પ્રાપ્ય ઊર્જાનું
છે કચ્છમાં આગામી દશકામાં અધધધ વીજ ઉત્પાદન થશે તો જે ઉદ્યોગો મોટી માત્રામાં વીજવપરાશ
કરે છે અને વીજળી મોંઘી પડે છે તેવા એકમો પણ આ કારણસર કચ્છમાં સ્થળાંતરિત થાય તેવી
સંભાવના પણ ઊભી થઇ છે. કચ્છમાં જમીનોની ઉપલબ્ધતા અને બંદરીય ઉદ્યોગની શક્યતાને પારખીને
હવે વિશ્વસ્તરની શિપિંગ કંપનીઓ પણ પોતાનાં બંદરો ઊભાં કરવા પ્રયત્નશીલ છે, જેમાં એમ.એસ.સી. શિપિંગ એક છે. આવી જ રીતે રિલાયન્સ જૂથ પણ બંદરીય વ્યવસાયમાં
ઝંપલાવવા પ્રયત્નશીલ હોવાનું સૂત્રો ઉમેરે છે. પ્રારંભિક રીતે રિલાયન્સ જૂથ કચ્છમાં
સૂકી જમીન ઉપર સૌર ઊર્જાનો ઉપયોગ કરવાની મહત્ત્વાકાંક્ષી યોજના ઉપર જોર આપી રહ્યું
છે અને એ સંદર્ભે તાજેતરમાં આ ઉદ્યોગજૂથની એક વગદાર ટીમ કચ્છ આવી પણ હતી. તેણે આ ક્ષેત્રે
જરૂરી તમામ વિગતો એકત્ર કરીને શક્યતા ચકાસી છે. આગામી દાયકામાં કચ્છમાં 150 અબજ વીજ ઉત્પાદનનું રિલાયન્સનું
ધ્યેય છે, તેવું સૂત્રોએ ઉમેર્યું હતું.