ગાંધીધામ, તા. 26 : અંજારના મેઘપર બોરીચીમાં ગેસ્ટહાઉસની ઉપર સ્પાની આડમાં ચાલતાં કૂટણખાનાનો
પોલીસે પર્દાફાશ કર્યો હતો. મહિલા સંચાલિત આ કૂટણખાનામાંથી ચાર મહિલાને મુક્ત કરાવી
સંચાલક, કામદાર તથા બે ગ્રાહકને પોલીસે પકડી પાડયા હતા.
મેઘપર બોરીચીની સીમમાં આવેલા કષ્ટભંજન ગેસ્ટહાઉસની ઉપર આવેલા લક્સ સ્પામાં દેહવિક્રયનો
ધંધો ચાલતો હોવાની પૂર્વ બાતમીના આધારે પોલીસે અહીં કાર્યવાહી હાથ ધરી હતી. આ સ્પામાં
પોલીસે એક ડમી ગ્રાહકને પૈસા સાથે મોકલાવી બાદમાં અચાનક છાપો માર્યો હતો. અહીં રાજ્ય
બહારની મહિલાઓને બોલાવી તેમની પાસેથી દેહવિક્રયનો ધંધો કરાવનાર મૂળ ભુજ રાવલવાડી હાલે
આ સ્પામાં રહેનાર મેનેજર સંચાલક કિરણબેન ઉર્ફે માયાબેન જયંતી રાજગોર તથા સ્પામાં કામ
કરનાર મૂળ પાટણનો ધીરુ ભોજા ડાંગરને પોલીસે
પકડી પાડયા હતા. અહીં શરીર સુખ માણવા આવેલા અંજારના રવિ નીતિન ઠક્કર તથા જાવેદ હુસેન
મહેબુબશા શેખને પણ ઝડપી લેવામાં આવ્યા હતા. સ્પાની આડમાં ચાલતા આ કૂટણખાનામાંથી બે
આસામ તથા બે પશ્ચિમ બંગાળની મહિલાને પોલીસે મુક્ત કરાવી હતી. પકડાયેલા મહિલા સંચાલક,
કામદાર પાસેથી રોકડ રૂા. 16,800 તથા આ બંને અને બે ગ્રાહક પાસેથી પાંચ મોબાઇલ જપ્ત કરવામાં આવ્યા
હતા. આ સ્પામાં સીસીટીવી કેમેરા હતા કે નહીં તથા તેનું ડીવીઆર જપ્ત કરાયું હતું કે
નહીં તે પ્રશ્નોના જવાબ બહાર આવ્યા નહોતા. આ પ્રકરણની આગળની તપાસ પોલીસે હાથ ધરી છે.