ગાંધીધામ, તા. 26 : આદિપુરમાં કિશોરીનું અપહરણ
કરી તેની સાથે બળાત્કાર ગુજારવાના સાત વર્ષ પહેલાંના કેસમાં ગાંધીધામની કોર્ટે ધાક
બેસાડતો ચુકાદો આપ્યો હતો. આરોપીને 10 વર્ષની સખત કેદ ફટકારવામાં આવી હતી. આદિપુરમાં રહેનાર એક મહિલા
તા. 24/11/2019ના કામે ગયા હતા, જે સાંજે પરત ફરતાં તેમની સગીર વયની દીકરી ક્યાંય
દેખાઇ નહોતી, જેની શોધખોળ કરતાં વરસામેડી અંબાજી નગરનો મુકુલ
રાજેશ અગ્રવાલ નામનો શખ્સ આ કિશોરીને લઇ ગયો હોવાનું બહાર આવ્યું હતું, જે અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. બાદમાં કિશોરી મળી આવતાં આ શખ્સે પોતે
આત્મહત્યા કરી લેશે તેવી ધમકી આપીને પોતાની સાથે લઇ ગયો હોવાનું બહાર આવ્યું હતું અને
રાજસ્થાન લઇ જઇ તેની સાથે બદકામ કર્યું હતું. ગુનો નોંધાયા બાદ તપાસ પૂર્ણ થતાં અને
આરોપી વિરુદ્ધ પૂરતા પુરાવા હોવાથી આ શખ્સ વિરુદ્ધ અહીંની કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવામાં
આવી હતી, જે કેસ અહીંની વિશેષ પોક્સો તથા અધિક જિલ્લા સેશન્સ
જજની કોર્ટમાં ચાલી ગયો હતો. આ કેસમાં સાહેદો, દસ્તાવેજી પુરાવાઓ
તથા સરકારી વકીલની દલીલો સાંભળ્યા બાદ આ શખ્સ મુકુલ અગ્રવાલને અધિક જિલ્લા ગાંધીધામની
કોર્ટના ન્યાયાધીશ એ.એમ. મેમોને તક્સીરવાન ઠેરવ્યો હતો. તેને અપહરણ, બળાત્કાર, પોક્સોની જુદી-જુદી કલમો તળે 10 વર્ષની સખત કેદ તથા રૂા. 40,000નો દંડ અને દંડ ન ભરે તો વધુ
ત્રણ માસની સાદી કેદનો ધાક બેસાડતો ચુકાદો
આપ્યો હતો તેમજ ભોગ બનનારને રૂા. એક લાખ વળતર પેટે આપવા હુકમ કરાયો હતો. આ કેસમાં
સરકાર તરફે સરકારી વકીલ કુમારી હિતેષી પી. ગઢવી હાજર રહ્યા હતા.