• ગુરુવાર, 28 ઑગસ્ટ, 2025

રામપર સ્વામિનારાયણ મંદિર દ્વારા `ફઈબાની ફુલવાડી' સર્જાઈ

કેરા (તા. ભુજ), તા. 26 : કચ્છ સત્સંગને છેક્ક કરાચી સુધી દીપાવનાર ચોવીસીના ત્યાગી નારી રત્ન ધનબાઈ ફઈના રામપર ગામે તાજેતરમાં મોટાપાયે વૃક્ષારોપણ કરાયું હતું. આ કાર્યને ધારાસભ્યએ બિરદાવ્યું હતું.  ભુજ સ્વામિનારાયણ મંદિરના મહંત સ્વામી ધર્મનંદનદાસજી, ઉપમહંત ભગદ્જીવન સ્વામી, વરિષ્ઠ કોઠારી પાર્ષદવર્ય જાદવજી ભગત, વહીવટી કોઠારી દેવપ્રકાશદાસજી સ્વામી આદી સંતોની પ્રેરણાથી રામપર ગામે હરિભક્તોએ વનરાઈ સર્જવા કારસેવા આદરી છે. જ્યાં છ કોષ એક સાથે મધમીઠું પાણી ઉલેચતા એવા પ્રસાદીભૂત શિવસાગર તળાવને `ફઈબાની ફૂલવાડી'માં ફેરવાયું છે. રામપર સ્વામિનારાયણ મંદિર દ્વારા આખા ગામે સાથે મળી સહિયારૂં વૃક્ષારોપણ કર્યું હતું. ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેએ કહ્યું કે, ભુજ મંદિરના સંતો કચ્છની સર્વાંગી સેવા કરી રહ્યા છે તે દરેક સંસ્થા માટે પ્રેરણારૂપ અને કચ્છ હીતમાં છે. પર્યાવરણ જાળવણીના ઈશ્વરીય કાર્યની વાત શાત્રી ભક્તિવિહારી સ્વામી, કૃષ્ણપ્રિય (કે.પી.) સ્વામીએ આશીર્વાદમાં કરી હતી. જિ.પં. સભ્ય કેશવજી રોશિયા, તાલુકા સંગઠનના સામંત ગઢવી, નિધિ રાબડિયા, રામપર - વેકરા બંન્ને ગામોના સરપંચો સુરેશભાઈ કારા, દેવલબેન સંજોટ સાથે વાડાસર, દહિંસરા, માનકૂવા સહિતના ગામોના ત્યાગી બહેનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી સાં.યોગી ગુરુ ધનબાઈ ફઈને અંજલિ અર્પી હતી. મંદિરો, સમાજોના પ્રમુખ કમિટી સભ્યો જોડાયા હતા. વૃક્ષારોપણના યજમાન દાતા લાલજી અરજણ કેરાઈ, ધ.પ. કાનબાઈ (નાઈરોબી), પૂત્રો કિશોર, હરીશ, પ્રકાશ રહ્યા હતા. `એક પેડ મા કે નામ' વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંકલ્પને ધારાસભ્યશ્રી દવેએ પ્રેરક ગણાવ્યો હતો. આ પ્રસંગે મહામુક્ત ધનબાઈ ફઈની સ્મૃતિમાં રામપર જળ સેવા ટ્રસ્ટ નિર્મિત `ફઈબા સરોવર'ના ખાણેત્રા માટે દાન જાહેર કરાયું હતું. દાતાઓ કાંતિભાઈ લાલજી હિરાણી, ગોવિંદ ધનજી રાબડિયાનું સંતોના હસ્તે સન્માન કરાયું હતું. વૃક્ષઉછેર કાર્યની દેખરેખ વાલજી કરશન વેકરીયા, વાલજી દેવજી કરી રહ્યા છે. હરીશ વાલજી કેરાઈ, લક્ષ્મણ વાલજી કેરાઈ, કાન્તિ મનજી હિરાણી, યુવક મંડળના યુવાઓ સહયોગ આપી રહ્યા છે. સમગ્ર કાર્યક્રમનું સંકલન જેન્તીભાઈ વેકરીયાએ જૂનાવાસના યુવાનોના સહિયારા સહકારે કર્યું હતું. ફઈબાની સ્મૃતિ હોઈ રામપર - વેકરાના હરિભક્ત ભાઈ-બહેનોમાં અનેરો ઉત્સાહ રહ્યો હતો. 

Panchang

dd