• ગુરુવાર, 28 ઑગસ્ટ, 2025

નખત્રાણા નગરપાલિકાને તાળાંબંધી

નખત્રાણા, તા. 26 : અહીંની ગ્રામ પંચાયતને  નગરપાલિકાનો દરજ્જો મળ્યાને ત્રણ વર્ષથી ઉપર સમય વ્યતિત થઇ ગયો હોવા છતાં પાલિકાની લોક પ્રતિનિધિઓની કારોબારીની ચૂંટણી ન થવાના કારણે વહીવટદાર-મુખ્ય અધિકારી દ્વારા નગરપાલિકાના ચાલતા વહીવટથી લોક ઉપયોગી લોકોની પાયાની સુવિધાઓનાં કામો ગોકળગતિએ  ચાલતા અથવા ન ઉકેલાતા પ્રશ્નોને લઇ કંટાળેલા ગ્રામજનો, વેપારીઓ દ્વારા આખરે નગરપાલિકા કચેરીને તાળાંબંધ કર્યું હતું. બાદ પોલીસતંત્ર બંદોબસ્ત હેઠળ ન.પા.ના ચીફ ઓફિસરે કામો સત્વરે પૂર્ણ કરવા લેખિત ખાતરી આપતા મામલો થાળે પડયો હતો.રાષ્ટ્રીય દલિત અધિકારી મંચ નખત્રાણા તાલુકાની ટીમ અને બેરૂ ગ્રામજનો દ્વારા બેરૂ ગામે લોકોની ઉપયોગી પાણી, રસ્તા, સ્ટ્રીટલાઇટ સહિતના  વિકાસ કામો કરવા તંત્રને લેખિત તથા મૌખિક વખતો વખત રજૂઆતો કરવા છતાં કોઇ પણ પ્રશ્ન ઉકેલવામાં ન આવવા મુદ્દે ઉગ્ર વાતાવરણ વચ્ચે નગરપાલિકા કચેરીએ  પહોંચેલા અગ્રણીઓએ પ્રથમ લેખિત પત્ર સુપરત કર્યા બાદ ગેટને બંધ કરાયો હતો. આથી હરકતમાં આવેલા અધિકારી દ્વારા બેરૂ ગ્રામજનોની વિકાસ કામોની માગણીનાં કામો ઉપરાંત નખત્રાણા વથાણ ચોકથી વિરાણી રોડમાં વરસાદ પાણીના નાળાં સાફ કરી મરંમત કરવાનું બંધ પડેલું કામ ત્વરિત પૂર્ણ કરવા બેરૂ ગામના બે રોડ રસ્તા જે મંજૂર થયા છે. તેનું રિસર્ફેસિંગનું કામ આગામી સાત દિવસમાં કામ શરૂ કરવા લેખિત પત્રમાં ખાતરી આપવામાં આવી હતી. અન્ય કામો ગ્રાન્ટની ઉપલબ્ધતાની નજરે કરવામાં આવશે તેવું પત્રમાં જણાવ્યું હતું. રાષ્ટ્રીય દલિત અધિકારી મંચ નખત્રાણા તાલુકાની ટીમ તથા બેરૂ ગ્રામજનો, અગ્રણીઓ કરણ બુચિયા (પ્રમુખ), શાંતિલાલ બુચિયા, ભીખાભાઇ રબારી, મેઘાભાઇ રબારીસુમારભાઇ બુચિયા, હીરજી કોલી, દેવાભાઇ કોલી, નારાણ વરિધ, રામજી વરિધ, મોહનભાઇ બુચિયા, થાવરભાઇ, દિનેશભાઇ જીવરાજભાઇ, મહિલા અગ્રણી લીલાબેન, કેશરબેન, મોંઘીબેન સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. 

Panchang

dd