ડો. પૂર્વી ગોસ્વામી દ્વારા : ભુજ,
તા. 26 : કોઈપણ ઔપચારિક
અભ્યાસ કરવાને બદલે આઇઆઇએમ અમદાવાદથી કળાજ્ઞાન પ્રાપ્ત કરનારી મૂળ અવધનગરની યુવા દીકરી
ચંપા સીજુએ `લેન્ડસ્કેપ વાવિંગ'માં કાંઠું કાઢ્યું છે. કચ્છના જોવાલાયક પ્રાકૃતિક
સ્થળોની ફોટોગ્રાફી કરીને ચંપા બેસી જતી નથી, પરંતુ ત્યાંથી વિવર
ચંપા પોતાનું કામ શરૂ કરે છે. જે તસવીર તેણે લીધી હોય તેને આબેહૂબ વણાટકામમાં ઉતારવાની
ખૂબી તેને દેશ-વિદેશમાં નામના અપાવી રહી છે. તાજેતરમાં જયપુર ખાતે નીલા હાઉસ ખાતે યોજાયેલી
ક્રાફ્ટ પ્રદર્શનીમાં મુલાકાત લીધા બાદ કચ્છમિત્ર સાથે વાત કરતાં તેણે જણાવ્યું કે,
આજે લોકોને કંઈક નવું જોઈતું હોય છે અને મને પણ હંમેશાં કંઈક નવું કરવાની
સતત ઝંખના રહેતી, આથી મેં મારી પરંપરાગત વણાટકલામાં કચ્છને `લેન્ડસ્કેપ બ્યૂટી' તરીકે લોન્ચ કર્યું છે જે લોકોને પસંદ પડે છે.
આત્મનિર્ભર વ્યક્તિ ક્યારેય મોટી કલ્પનાઓમાં નથી જીવતી પરંતુ સતત નવું કરતા રહીને પોતાની
ઝંખનાને પૂર્ણ કરે છે. ચંપાની કારીગરી હાથસાળ પર બેઠા બેઠા નહીં પરંતુ વિશાળ ગગન તળે
ખેતરો, રણ, ડુંગરા ને તળાવો નિહાળતા પાંગરે
છે. કચ્છનું લીલુંછમ ઘાસ, વહેતા પાણી, સફેદ
રણ જેવાં દૃશ્યો ચંપાની વણાટકાળામાં જોઈને લોકો રોમાંચિત થઈ ઊઠે છે. આ યુવતી ગૃહ સુશોભન
માટે વોલફ્રેમ, સ્ટોલ, ટેબલક્લોથ જેવી પ્રોડક્ટ
ડોમેસ્ટિક માર્કેટમાં તથા ઈન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયાનાં માધ્યમથી સારું કમાઈ
લે છે. છેલ્લા થોડા વર્ષોથી `ચંપા શિફ્ટિંગ હોરીઝન'ના બ્રાન્ડ નેમથી પોતાની અનોખી વણાટકલાને દેશ-વિદેશ સુધી પહોંચાડનાર બની છે.
માત્ર 10મું ભણેલી ચંપાએ ખમીર અને વિવિધ દાતાઓની
સહાયતાથી પાંચ લાખની ફી ચૂકવીને આઇઆઇએમ અમદાવાદથી ક્રિએટિવ કલ્ચરલ બિઝનેસનો કોર્સ પૂર્ણ
કર્યો છે. વિવાહપર્યંત ભુજોડી આવ્યા પછી પણ ચંપા પુત્ર બનીને નિવૃત્ત માતા-પિતા સાથે
અન્ય ત્રણ બહેનોની દેખરેખ રાખે છે. ચંપાની વણાટકાળામાં મળેલી સફળતા અન્ય યુવાઓ માટે
પ્રેરણાદાયક બની રહી છે.