• ગુરુવાર, 28 ઑગસ્ટ, 2025

બે ઘાતક યુદ્ધજહાજ નૌસેનાનાં ભાથાંમાં

મુંબઇ, તા. 26 : દુશ્મન દેશોના હાજાં ગગડાવવા સક્ષમ બે સ્વદેશી યુદ્ધજહાજ આઇએનએસ ઉદયગિરિ અને આઇએનએસ હિમગિરિ આજે નૌકાદળમાં વિધિવત સામેલ થયાં હતાં. સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે, આ બંને સ્વદેશી જહાજ છે અને તેની રચના એ પ્રકારે કરવામાં આવી છે કે, તે દુશ્મનના રડાર, ઇન્ફ્રારેડ અને ધ્વનિ સેન્સરથી બચી શકે છે. તેની તૈનાતીથી ઇન્ડોપેસિફિક ક્ષેત્રમાં નૌસેનાની તાકાતમાં વધારો થશે. સંરક્ષણમંત્રી રાજનાથસિંહે આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમના એક કાર્યક્રમમાં બંને જહાજ નૌસેનાને સોંપ્યાં હતાં. બંને યુદ્ધજહાજ બ્રહ્મોસ સુપરસોનિક મિસાઇલ અને ભારત-ઇઝરાયલ નિર્મિત બરાક-8 લાંબા અંતરના હવામાં માર કરી શકતી મિસાઇલ પ્રણાલી (એલઆરએસએએમ)થી સજ્જ છે. તેમાં 76 એમએમ નૌસેનિક બંદૂક અને સમુદ્રી યુદ્ધ દરમ્યાન પાણીની અંદર છોડી શકાતા ટોર્પિડો હથિયાર પણ સામેલ છે. આઇએનએસ હિમગિરિને  કોલકાતાના ગાર્ડન રિચ શિપબિલ્ડર્સ એન્ડ એન્જિનીયર્સ (જીઆરએસઇ)એ બનાવ્યું છે. આઇએનએસ ઉદયગિરિનું નિર્માણ મુંબઇના મઝગાંવ ડોક શિપબિલ્ડર્સ લિ. દ્વારા કરવામાં આવ્યું છે.  તેનું નામ ઉદયગિરિ પર્વતમાળા પરથી રાખવામાં આવ્યું છે અને માત્ર 37 મહિનામાં બન્યું છે. 

Panchang

dd