અમદાવાદ, તા. 26 (અમારા પ્રતિનિધિ તરફથી) : અમેરિકી
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો ભારત પર વધારાના 25 ટકાનો ટેરિફ અમલી બને તેના એક દિવસ પૂર્વે આજે વડાપ્રધાન નરેન્દ્ર
મોદીએ ફરી સ્વદેશી પર ભાર મૂકયો હતો અને જણાવ્યું હતું કે, મેઇક ઇન ઇન્ડિયાથી દેશમાં નવો રોજગાર ઊભો કરવામાં
મદદ મળશે. સ્વદેશી આપણા દરેકનો મંત્ર હોવો જોઇએ. અમદાવાદ જિલ્લાના હાંસલપુર ખાતે મારુતિ-સુઝુકીના
પ્રથમ બેટરી ઇલેક્ટ્રિક વ્હીકલ અને લિથિયમ આયન બેટરીના ઉત્પાદનના શુભારંભ પ્રસંગે ભારત
અને જાપાનની મિત્રતાને `મેઇડ ફોર
ઈચ અધર' ગણાવતાં
મોદીએ કહ્યું હતું કે, હવેથી દુનિયાના એકસોથી વધુ દેશોમાં
ફરતાં ઈલેક્ટ્રિક વ્હીકલ પર મેઇડ ઇન ઇન્ડિયા લખ્યું હશે, તે આપણા
સૌ માટે ગૌરવની બાબત છે. ઉલ્લેખનીય છે કે,
સુઝુકી મોટર ભારતમાં આગામી પાંચથી છ વર્ષમાં રૂા. 70000 કરોડનું રોકાણ કરવાની છે. વડાપ્રધાને વોકલ ફોર લોકલને પ્રોત્સાહન
આપીને સ્વદેશીની વ્યાખ્યા કરતાં કહ્યું હતું કે રોકાણ ભલે કોઈ પણ દેશનું હોય પરંતુ
તેમાં પરસેવો કોઈ પણ ભારતીય નાગરિકનો હોય અને તે વધુ વસ્તુ ભારતની ભૂમિ પર બનીને તૈયાર
થઈ હોય, તે આપણા માટે સ્વદેશી જ છે. વડાપ્રધાને સુઝુકી
મોટર પ્લાન્ટ ખાતે મેઇક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારત પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવતાં
અને ગ્રીન મોબિલિટી માટે વૈશ્વિક હબ તરીકે ભારતના ઉદ્ભવને રેખાંકિત કરતાં, બેટરી ઇલેક્ટ્રિક વાહન (બીઇવી) ઈ-વિટારાને
લીલી ઝંડી આપી હતી. ટીડીએસજી લિથિયમ-આયન બેટરી
પ્લાન્ટ ખાતે હાઇબ્રિડ બેટરી ઇલેક્ટ્રોડ્સના સ્થાનિક ઉત્પાદન પ્લાન્ટનું પણ ઉદઘાટન
કર્યું હતું. આ પ્લાન્ટ સ્વચ્છ ઊર્જાને વેગ આપશે અને કુલ ઉત્પાદનના 80 ટકા બેટરીનું ઉત્પાદન ભારતમાં
થશે તે સુનિશ્ચિત કરશે. સુઝુકી મોટરના પ્રમુખ તોશિહીરો સુઝુકીએ ભારતમાં રોકાણની પ્રતિબદ્ધતા
વ્યક્ત કરી હતી. આ પ્રસંગે
વડાપ્રધાને કહ્યું હતું કે, ગણેશ ઉત્સવના
આ ઉલ્લાસમાં આજે ભારતની મેઈક ઇન ઇન્ડિયાની યાત્રામાં નવો અધ્યાય ઉમેરાઈ રહ્યો છે. મેઈક
ઇન ઇન્ડિયા, મેઈક ફોર ધ વર્લ્ડના આપણા લક્ષ્યની દિશામાં આ એક
મોટી છલાંગ છે. તેમણે ઉમેર્યું કે આજથી ભારતમાં બનેલાં ઈલેક્ટ્રિક વાહનોની 100 જેટલા દેશોમાં નિકાસ થશે અને
આજથી શરૂ થતાં હાઇબ્રિડ બેટરી ઈલેક્ટ્રોડના ઉત્પાદનને પણ ભારત અને જાપાનની મિત્રતાને
નવો આયામ આપનારું બનશે. મોદીએ કહ્યું હતું કે, આજથી આશરે તેર વર્ષ પહેલાં ગુજરાતમાં સુઝુકીના હાંસલપુર પ્લાન્ટનો પાયો નખાયો
હતો, એ દૃષ્ટિએ મારુતિ-સુઝુકીના આ પ્લાન્ટની ઉંમરનું આ તેરમું
વર્ષ છે, તે એક દૃષ્ટિએ તરુણ વયનો પણ પ્રારંભ છે. આ ઉંમર પાંખો
ફેલાવવાનો અને સપનાઓના ઊડાનની શરૂઆતનો કાળખંડ હોય છે. ત્યારે આગામી સમયમાં મારુતિનો
આ પ્લાન્ટ નવા ઉમંગ અને ઉત્સાહથી પાંખો ફેલાવશે અને આગળ વધશે. તેમણે ઉમેર્યું હતું કે 2012માં તેમના મુખ્યમંત્રીકાળમાં
આત્મનિર્ભર ભારત અને મેઈક ઇન ઇન્ડિયાના વિઝન સાથે મારુતિ સુઝુકીને જમીન આપીને વિકાસના
બીજ રોપ્યાં હતાં. આ વિઝન અને વિશ્વાસને મારુતિ-સુઝુકી કંપની આગળ ધપાવી રહી છે. વડાપ્રધાને
ભારત-જાપાન મિત્રતામાં સુઝુકી કંપનીના સ્વ. ઓસામો સુઝુકીશાનના યોગદાનનું પણ સ્મરણ કરીને
તેમના જ વિઝનનું આ પરિણામ છે તેમ જણાવ્યું હતું.
મોદીએ ભારતીય નાગરિકોમાં પડેલી અપ્રતિમ શક્તિઓ અને આવડતનો ઉલ્લેખ કરતાં કહ્યું
કે ભારત પાસે લોકશાહી અને વસ્તી-એમ બંને પ્રકારનો લાભ છે. આ સ્કિલ વર્કફોર્સનો લાભ
ભારતમાં ઉત્પાદન માટે આવનારી દરેક કંપનીને મળી રહ્યો છે. આ દૃષ્ટિએ અહીં રોકાણ-ઉત્પાદન
માટે આવનારા દરેક ભાગીદાર-દેશ માટે વિન-વિન સિચ્યુએશનછે તેમ તેમણે ઉમેર્યું હતું. તેમણે
જણાવ્યું કે, મારુતિ-સુઝુકી ભારતમાં
બનેલી ગાડીઓને જાપાન સહિત અન્ય દેશોમાં નિકાસ કરે છે. તે જાપાન અને ભારતનો એકબીજા પ્રત્યેનો
ભરોસો દર્શાવે છે. મારુતિ-સુઝુકી આજે મેઈક ઇન ઇન્ડિયાની બ્રાન્ડ એમ્બેસેડર બની ચૂકી
છે. આજથી ઈવી નિકાસને પણ એ જ સ્તરે લઈ જવાનો પ્રારંભ થઈ રહ્યો છે. વડાપ્રધાને તેમના
આગામી જાપાન પ્રવાસ વિશે વાત કરતાં જણાવ્યું કે ભારત અને જાપાનની મિત્રતા માત્ર કૂટનીતિક
નથી, પરંતુ સાંસ્કૃતિક છે અને બંને દેશો એકબીજાની પ્રગતિમાં પોતાની
પ્રગતિ જોઈને અરસ-પરસ મદદરૂપ થાય છે. સુઝુકી સાથે શરૂ થયેલી આ મિત્રતા હવે બુલેટ ટ્રેન
સુધી પહોંચી છે. ભારત-જાપાન ઔદ્યોગિક સંભાવનાઓને સાકાર કરવાની આ પહેલ ગુજરાતથી જ થઈ
હતી. વીસ વર્ષ પહેલાં શરૂ કરવામાં આવેલી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના સમયથી જ જાપાન
ગુજરાતનું મહત્ત્વનું ભાગીદાર છે. જે આ મિત્રતાનો પાયો મજબૂત હોવાનું દર્શાવે છે.