• ગુરુવાર, 28 ઑગસ્ટ, 2025

પીએમ મોદી સાથે સીએમ, પાટિલની બેઠક

અમદાવાદ, તા. 26 (અમારા પ્રતિનિધિ તરફથી) : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બે દિવસીય મુલાકાતને લઈ મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચા વચ્ચે મોડી સાંજે વડાપ્રધાન સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટિલે દોઢ કલાક સુધી મેરેથોન બેઠક કરતાં રાજકીય ચર્ચાઓએ જોર પકડયું છે. રાજ્ય મંત્રીમંડળમાં થનારા ફેરફારો બાબતે વડાપ્રધાન સાથે ચર્ચાઓ થઈ હોવાનું સુત્રો જણાવી રહ્યાં છે. જે મુજબ, વિધાનસભાનું સત્ર યોજાવાનું હોવાથી 21 સપ્ટેમ્બર સુધી મંત્રીમંડળનું વિસ્તરણ નહીં થાય. આ સત્ર માટેનું સાહિત્ય છપાઈ ગયું છે. આ સત્ર બાદ શ્રાદ્ધ પક્ષ શરૂ થઈ રહ્યાં છે. તમામ મંત્રીઓ હાલ વિધાનસભાની કામગીરીમાં વ્યસ્ત છે. જેથી નવરાત્રિ અથવા તો નવરાત્રિ બાદ મંત્રી મંડળનું વિસ્તરણ થઈ શકે છે.  મહત્વનું છે કે, ગૃહરાજ્યની બે દિવસની મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે સાંજે નિકોલની જાહેરસભા પૂર્ણ કરીને રાજભવન પહોંચ્યા હતાં. ત્યારબાદ ભૂપેન્દ્ર પટેલ અને સી.આર.પાટીલ સાથે પીએમે અંદાજે દોઢ કલાક બેઠક કરી હતી. આ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહમંત્રી હર્ષ સંઘવી, મુખ્ય સચિવ પંકજ જોશી, મુખ્યમંત્રીના સલાહકાર હસમુખ અઢિયા અને એસ.એસ. રાઠોડ, અધિક મુખ્ય સચિવ મનોજ દાસ અને અવંતિકાસિંહ જોડાયા હતા. સાબરમતી ગાંધી આશ્રમ, ધોલેરા સર તેમજ લોથલ ડેવલપમેન્ટ પ્રોજેક્ટને લગતા મુદ્દાઓ પર સમીક્ષા કરવામાં આવી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. વડાપ્રધાન સાથેની બેઠક બાદ રાજકીય વર્તુળોમાં પ્રદેશ પ્રમુખની વરણી અને મંત્રીમંડળના વિસ્તરણને લઈ અટકળો તેજ બની હતી. તેવામાં આજે આજે સવારે પણ રાજભવન ખાતે સી.આર. પાટીલે વડાપ્રધાન સાથે મુલાકાત કરી હતી.ત્યાર બાદ 'હાલ થોભો અને રાહ જોવો'નો  નિર્ણય લેવાયો હોવાનું સુત્રો જણાવી રહ્યાં છે. અહીં નોંધવું ઘટે કે, ગુજરાત ભાજપને જલ્દીથી નવા અધ્યક્ષ મળશે અને મંત્રી મંડળનું વિસ્તરણ પણ થશે આ શબ્દો સાથે આગામી ટૂંક સમયમાં ગુજરાત ભાજપ સંગઠન અને સરકારમાં ફેરફારના સંકેતો પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટિલે ગઈકાલે જ આપ્યા હતાં. કોબા સ્થિત પ્રદેશ ભાજપ કાર્યાલયમાં ગઈકાલે સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75માં જન્મદિવસ 17 સપ્ટેમ્બરથી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મજંયતિ બીજી ઓક્ટોબર દરમિયાન યોજનારા સેવા પખવાડિયા આયોજન માટેની આ બેઠકમાં તેમણે કહ્યું હતું કે,મંત્રીમંડળમાં સ્થાન મેળવનાર નસીબદાર હશે. આપણે ટૂંક સમયમાં બે વખત મળીશું. 

Panchang

dd