• ગુરુવાર, 28 ઑગસ્ટ, 2025

આદિપુરમાં આચાર્ય ઉપર હિચકારા હુમલાથી ભારે રોષ

ગાંધીધામ, તા. 26 : આદિપુરની તોલાણી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના આચાર્ય ઉપર કોલેજ કેમ્પસમાં હિચકારા હુમલા પ્રકરણે તમામ કોલેજોના પ્રોફેસર, વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળ્યો હતો. આ બનાવના રાજ્યભરમાં પડઘા પડયા હતા. આર્ટસ-સાન્યસ કોલેજના વિદ્યાર્થીઓએ પહેલા કેમ્પસમાં બાદમાં રોડ ઉપર ધરણા કર્યા હતા અને બાદમાં સૂત્રોચ્ચાર સાથે પગપાળા પોલીસ મથકે પહોંચી આરોપી વિદ્યાર્થીઓને કડક સજા કરવાની માંગ કરી હતી. આદિપુરની તોલાણી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના કેમ્પસમાં પાર્કિંગવાળા વિસ્તારમાં ગઇકાલે બપોરે આ શરમજનક બનાવ બન્યો હતો. કોલેજમાં રજા પડી ગયા બાદ કોલેજના પ્રિન્સિપાલ પાર્કિંગ વિસ્તારમાં ગયા હતા, જ્યાં યુનિફોર્મ વગર અને મોડે સુધી બેઠેલા વિદ્યાર્થીઓને પૂછતાં ઉશ્કેરાયેલા વિદ્યાર્થીએ પ્રિન્સિપાલને લાફો ઝીંકી દીધો હતો. આ જઘન્ય બનાવ અંગે આજે સવારે કોલેજના વિદ્યાર્થીઓ, સ્ટાફને જાણ થઇ હતી, જેના અનુસંધાને વિદ્યાર્થીઓ, સ્ટાફમાં રોષની લાગણી પ્રસરી હતી અને તમામ વિદ્યાર્થીઓએ પ્રિન્સિપાલના સમર્થનમાં તથા આવા હુમલાખોર વિદ્યાર્થીઓના વિરોધમાં ધરણા કર્યા હતા. બાદમાં બહાર રોડ ઉપર આવી ચક્કાજામ કરાયો હતો. દરમ્યાન પોલીસને બનાવની જાણ થતાં પોલીસ અહીં દોડી આવી હતી અને વિદ્યાર્થીઓને સમજાવતાં વિદ્યાર્થીઓએ ચક્કાજામ પૂર્ણ કરી પગપાળા સૂત્રોચ્ચાર સાથે છેક આદિપુર પોલીસ મથકે પહોંચ્યા હતા. આ વાત તોલાણી કેમ્પસની અન્ય કોલેજોમાં પહોંચતાં તમામ શૈક્ષણિક સ્ટાફ કામ બંધ કરી પોલીસ મથકે પહોંચ્યો હતો. જિલ્લામાં ભુજની, અંજારની  કોલેજો સુધી આ વાત પહોંચતાં ત્યાં પણ આજે શૈક્ષણિકકાર્ય બંધ રાખી આ બનાવને વખોડવામાં આવ્યો હતો અને જુદી-જુદી કોલેજોએ પશ્ચિમ કચ્છ પોલીસવડાને આવેદનપત્ર પણ પાઠવ્યું હતું. દાદા દુ:ખાયલ બી.એડ. કોલેજ, અંજારની કોલેજના કર્મચારીઓ પણ આ બનાવના વિરોધમાં આદિપુર દોડી આવ્યા હતા. આદિપુરની તોલાણી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની સમિતિના હોદ્દેદારો પણ અહીં પહોંચ્યા હતા અને નિંદનીય આ બનાવને વખોડી કાઢી આવા હુમલાખોર વિદ્યાર્થીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી. આદિપુર પોલીસ મથકે વિદ્યાર્થીઓએ સૂત્રોચ્ચાર કરીને આવા વિદ્યાર્થીઓ સામે કાર્યવાહીની માંગ કરી હતી. આદિપુરમાં અસામાજિક વિદ્યાર્થીઓ દ્વારા આ હિચકારા હુમલા અંગે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત કોલેજે પણ લેખિત રજૂઆત કરી હતી અને આ હુમલો માત્ર એક આચાર્ય કે વ્યક્તિ પર નહીં પરંતુ સમગ્ર શિક્ષણજગત માટે લાંછનરૂપ હોવાનું જણાવ્યું હતું. કોલેજ કેમ્પસમાં આવતા અસામાજિક તત્ત્વો પર રોક લગાવવા અને આવા હુમલાખોર વિદ્યાર્થીઓને કોલેજમાંથી બરતરફ કરવાની માંગ કરવામાં આવી હતી. આદિપુર તોલાણી કોલેજના આચાર્ય ઉપર હિચકારા હુમલાના સમગ્ર રાજ્યમાં ઘેરા પડઘા પડયા હતા. આદિપુરની તોલાણી કોલેજ ઓફ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજમાં બનેલા જઘન્ય બનાવ અંગે કચ્છ યુનિવર્સિટીએ આ બનાવને વખોડયો હતો. આદિપુર કોલેજમાં બનેલ બનાવ અત્યંત દુ:ખદ અને નિંદનીય છે. આ કોલેજમાં અસામાજિક તત્ત્વો દ્વારા પ્રિન્સિપાલ ઉપર હુમલો કરાયો છે. આ બનાવ એક વ્યક્તિ પર નહીં પણ સમગ્ર શૈક્ષણિક વ્યવસ્થાના સિદ્ધાંતો અને મૂલ્યો પર આક્રમણ સમાન છે. શિક્ષણ સંસ્થાઓ એ જ્ઞાન અને સંસ્કારના ધામ હોય છે. જ્યાં શિસ્ત, સન્માન અને સંવાદને પ્રાથમિકતા આપવામાં આવે છે. આવા હિંસક બનાવો શિક્ષણ ક્ષેત્રની પ્રતિષ્ઠાને ભંગ કરે છે અને સમાજમાં નકારાત્મક સંદેશ આપે છે. શૈક્ષણિક જગત પર હુમલા સમાન શરમજનક આ બનાવને કચ્છ યુનિવર્સિટીએ વખોડયો હતો. દરમ્યાન ભુજના સામાજિક શૈક્ષણિક કાર્યકર્તા પ્રવીણ પિંડોરિયાએ આ કલંકિત કૃત્યને વખોડી ભવિષ્યમાં આવા બનાવ ન બને તે માટે સંબંધિત વિભાગો દ્વારા યોગ્ય પગલાંની માંગ કરી હતી. 

Panchang

dd