• ગુરુવાર, 28 ઑગસ્ટ, 2025

ઉપરાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી નહીં, સર્વસંમતિ યોગ્ય રહેત

દેશના ઉપરાષ્ટ્રપતિ પદ માટે સત્તાધારી મોરચા અને વિપક્ષ દ્વારા પોતપોતાના ઉમેદવારાનાં નામોની જાહેરાત સાથે આ ગારવભર્યા પદની ચૂંટણીનો તખતો તૈયાર થઈ ગયો છે. બે ઉમેદવાર મેદાનમાં હોવાથી આગામી નવમી સપ્ટેમ્બરના મતદાન યોજાશે. આમ તો સત્તાધારી એનડીએ પાસે પૂરતાં પ્રમાણમાં સંખ્યાબળ હોવા છતાં વિપક્ષી ઈન્ડિ જોડાણે પોતાના ઉમેદવારની જાહેરાત કરીને સંઘર્ષનાં પોતાનાં વલણની વધુ એક  વખત સાબિતી દેશને કરાવી આપી છે. આ ચાવીરૂપ હોદ્દા માટે ગુપ્ત મતદાન કરાતું હોવાથી બન્ને છાવણીની કસોટી થશે એવા સંકેત મળી રહ્યા છે. સત્તાધારી એનડીએ દ્વારા તામિલનાડુના સીપી રાધાકૃષ્નનનું ઉમેદવારીપત્ર બુધવારે ભરવામાં આવ્યું હતું, તો વિપક્ષી જોડાણ ઈન્ડિએ નિવૃત્ત સુપ્રીમ કોર્ટ જજ તેલંગાણાના બી. સુદર્શન રેડ્ડીનાં નામની જાહેરાત કરી છે. પ્રમાણમાં મજબૂત ઉમેદવાર પસંદ કરીને વિપક્ષી જોડાણે સંકેત આપી દીધા છે કે, સંખ્યાબળ અપૂરતું હોવા છતાં તે સત્તાધારી મોરચા અને સરકારને મચક આપવા તૈયાર નથી. આમ આવનારા દિવસોમાં આ ચૂંટણી રાજકીય રીતે ભારે રસપ્રદ બની રહે તેમ છે.  ઉલ્લેખનીય છે કે, ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં સંસદના બન્ને ગૃહમાં સો ટકા મતદાન થાય તો વિજેતાને 394 મતની જરૂરત રહે. આ સમીકરણમાં એનડીએ પાસે 422 મત છે, જે રાધાકૃષ્ન્ન માટે પૂરતા ગણી શકાય. જો કે, મહત્ત્વની બાબત એ છે કે, આ ચૂંટણીમાં ગુપ્ત મતદાન થતું હોવાથી બન્ને પક્ષે સંભવિત ક્રોસ વોટિંગના જોખમને રોકવા સતત જાગૃત રહેવું પડશે. બન્ને છાવણીએ દક્ષિણ ભારતના ઉમેદવાર પર પસંદગીનો કળશ ઢોળીને આવનારા રાજકીય ઈરાદા અને વ્યૂહનાં સંકેત આપી દીધાં છે. આવામાં દક્ષિણ ભારતના પ્રાદેશિક પક્ષો કોને પસંદ કરે છે તે જોવાનું રહેશે. તેલુગુ દેશમે એનડીએના ઉમેદવારને સમર્થન જાહેર કરીને રાજકીય ચોપાટમાં પહેલ કરી છે, તો ઉદ્ધવ ઠાકરેની શિવસેનાએ પણ અણધાર્યા વલણમાં એનડીએના ઉમેદવારની પ્રસંશા કરીને નવાં સંકેત આપ્યાં છે.  સ્વાભાવિક રીતે ઉપરાષ્ટ્રપતિ કોઈ પક્ષના હોતા નથી.  આ હોદ્દાની ગરિમાને ધ્યાનમાં લઈને તેમની પસંદગી સર્વસમંતિથી થાય તે લોકશાહીનાં હિતમાં ગણાતું આવ્યું છે, પણ છેલ્લા થોડા સમયથી સરકાર અને સત્તાધારી મોરચાની સામે તમામ બાબતોમાં બાંયો ચડાવતા રહેતા વિપક્ષી મોરચાએ આ હિતને જાળવવાની દરકાર કરી નથી. આવામાં પોતાની તાકાત ન હોવાની વાત જાણતા હોવા છતાં ચૂંટણીની જીદ કરી રહેલા વિપક્ષ માટે તેની તાકાતની વાસ્તવિક્તાનું ભાન આ ચૂંટણી કરાવશે એવી અપેક્ષા રખાઈ રહી છે. આ મતદાનનું પરિણામ વિપક્ષને તેના મુખ્ય ચૂંટણી કમિશનરની સામેના મહાભિયોગના ઈરાદામાં ફેરવિચાર કરાવે એવી આશા રાખી શકાય. બાકી તો ઉપરાષ્ટ્રપતિ પદેથી જગદીપ ધનખડે જે રીતે વિદાય લીધી તે જોતાં હવે આ પદની ગરિમાને જાળવવા તમામ રાજકીય પક્ષોએ પ્રામાણિકપણે વિચાર-મંથન કરવાની જરૂરત વર્તાઈ રહી છે. 

Panchang

dd