મુંદરા, તા. 26 : તાલુકાના સમાઘોઘા ગામ સ્થિત
જિંદાલ સો પાઇપ લિ.માં કામ કરતા 517 શ્રમિક કામદારોને
છૂટા કરી દેવાની ઘટના મુદ્દે સોમવારે કંપની સામે વિરોધ દેખાવ બાદ આજે કામદારોએ મુંદરા
મામલતદાર કચેરીએ વિવિધ માગણીઓ સાથે આવેદનપત્ર પાઠવીને જો તા. 29-8 સુધી સંતોષકારક નિર્ણય નહીં
લેવામાં આવે તો અચોક્કસ મુદતના ઉપવાસ આંદોલનની ચીમકી અપાઈ હતી. કંપનીમાંથી છૂટા કરાયેલા
કામદારોએ સહી સાથે મુંદરા પ્રાંત, મામલતદાર,
લેબર કમિશનર વગેરેને પાઠવેલા આવેદનપત્રમાં રજૂઆત કરવામાં આવી હતી કે,
માત્ર મોબાઈલ પર વોટ્સએપ મેસેજથી કંપનીમાં ન આવવાનું કહી દેવામાં આવ્યું
હતું. કોન્ટ્રાક્ટર દ્વારા લેખિતમાં અગાઉથી કોઈ જાણ કરાઇ નહોતી. નોકરી સિવાય કોઈ વિકલ્પ
નથી. પરિવારને ભૂખે મરવાની સ્થિતિ ઊભી થઈ છે. આ ગેરસમજ જેમના કારણે થઈ છે એ કંપનીના
તમામ ઠેકેદારોને બ્લેકલિસ્ટ કરવામાં આવે તેમજ પ્લાન્ટ બંધ થયાના કારણોની કંપની દ્વારા
સ્પષ્ટતા કરવામાં આવે એવી પણ પત્રમાં માગણી કરાઈ છે. વધુમાં પત્રમાં જણાવાયું કે, તમામ કામદારોનું સિનિયોરિટી
લિસ્ટ, પગાર જળવાશે તેવી લેખિત બાંયધરી આપવામાં આવે, પૂરેપૂરા પ્રોવિડન્ટ ફંડ મળવાની ખાતરી આપવામાં આવે. લેબર લોના ભંગથી છૂટા કરાયા
હોવાના આરોપ સાથે કંપની દ્વારા નોકરીમાં રાખવામાં નહીં આવે તો તા. 29-8ના સવારથી કંપની સામે અચોક્કસ
મુદતના ઉપવાસનું આંદોલન કરવાની પત્રમાં ચીમકી અપાઈ હતી.